ગુજરાત

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના સરકાર વિરૂદ્ધ સૂર, કહ્યું પાણીના પ્રશ્ને 25 વર્ષથી રજૂઆત છતાં કોઈ કામગીરી થઈ નથી; 2024 પછી રાજકીય સંન્યાસ લઈશ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. હજુ તો ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ નથી ત્યાં રાજકીય પક્ષોમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. જો ચૂંટણી વ્હેલી ન યોજાય તો આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અને પાટણ ભાજપના હાલના સાંસદ ભરતસિંહ ડાભીના ફરી સરકાર વિરોધી સૂર સામે આવ્યા છે. ભરતસિંહે ખેરાલુમાં અખાત્રીજના દિવસે મ્યુનિસિપલ ગાર્ડનના લોકાર્પણ સમયે ખેરાલુ વિસ્તારની પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, સિંચાઇના પાણી માટે 25 વર્ષથી રજૂઆતો કરતાં હોવા છતાં સરકારે કોઇ નક્કર કામગીરી ન કરતાં વિસ્તારના લોકો હવે પાણી માટે ચૂંટણીબહિષ્કાર કરી રહ્યા છે.

​​​​2024 પછી રાજકીય ક્ષેત્રે સંન્યાસ લઈશઃ ભરતસિંહ ડાભી
આ સાથે તેમણે આ તેમની છેલ્લી ટર્મ હોવાનું અને 2024 પછી રાજકીય સંન્યાસ લેશે તેમ કહ્યું હતું. સાંસદ ભરતસિંહ ડાભીએ બગીચાને કોરાણે મૂકી પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદે કહ્યું કે, રમીલાબેન દેસાઇ અને મારી સાથે મારા સાથી મિત્ર અજમલજીએ ખેરાલુ વિધાનસભામાં સિંચાઇના પાણીની સમસ્યા ઉકેલવા વારંવાર સરકારને રજૂઆત કરી છે.

હું કોઇ જ ચૂંટણી લડવાનો નથી: ભરતસિંહ ડાભી
આ વાતને 25 વર્ષ કરતાં વધુ સમય વિત્યો હોવા છતાં સરકાર દ્વારા નક્કર કોઇ જ કામગીરી કરાઇ નથી. પરિણામે વિસ્તારના લોકો હવે પાણી માટે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે. જોકે, તેમણે સરપંચથી સાંસદ સુધી લોકોએ જે સહયોગ આપ્યો તેનો આભાર માની હવે પછી હું કોઇ જ ચૂંટણી લડવાનો નથી અને 2024 પછી હું રાજકીય સન્યાસ લેવાનો છું તેવો મત વ્યક્ત કર્યો હતો.

બગીચાનું કામ હજુ 30% કામ બાકી
ખેરાલુ પાલિકા દ્વારા યુડીપીની રૂ.1.55 કરોડની ગ્રાન્ટમાંથી રિનોવેશન કરવામાં આવી રહેલા બગીચાનું કામ હજુ 30 ટકાથી વધુ બાકી છે. કોરોનામાં કામ વિલંબિત થયું હોવાથી નગરજનોની માંગણીને પગલે લોકો માટે બગીચો ખુલ્લો મૂકવો જરૂરી જણાતાં પાલિકા દ્વારા મંગળવારે અખાત્રીજના દિવસે બગીચાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

Back to top button