ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનનું અર્થતંત્ર 30 લાખ કરોડ કરવાનું કોંગ્રેસનું વચનઃ ચૂંટણી ઢંઢેરો જાહેર

જયપુર, 21 નવેમ્બર: કોંગ્રેસે 21 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election) માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય મોટા નેતાઓની હાજરીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કોંગ્રેસ મેનિફેસ્ટો  (Rajasthan Congress Manifesto) બહાર પાડવામાં આવ્યો છે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે જનતાને ઘણા મોટા વચનોની લ્હાણી કરી છે. જેમાં 10 લાખ નોકરીઓ, 4 લાખ નવી સરકારી નોકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાનાની વાત મુખ્ય છે.

10 લાખ લોકોને રોજગાર આપવાનું વચન

કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોનું નામ જનઘોષણ પત્ર-2 રાખ્યું છે. કોંગ્રેસે પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે 10 લાખ લોકોને રોજગાર આપવાનું વચન પણ આપ્યું છે. મેનિફેસ્ટોના વચનોની ઘોષણા કરતા મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ સીપી જોશીએ કહ્યું કે જો રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ફરીવાર સત્તામાં આવશે તો ખેડૂતોને 2%ના વ્યાજે લોન આપવામાં આવશે અને 50 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પણ અપાશે. એટલું જ નહીં, પંચાયત કક્ષાએ ભરતી થશે અને પંચાયત સમિતિ કક્ષાએ નવી સેવા કેડર બનાવવામાં આવશે.

કોંગ્રેસના ઘોષણાપત્રના જનતાને આપ્યા વચનો

1. સ્વામીનાથન સમિતિની ભલામણો અનુસાર ખેડૂતો માટે MSP કાયદો લાવવામાં આવશે.
2. ચિરંજીવી વીમાની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરાશે.
3. 4 લાખ યુવાનોને સરકારી નોકરી અને 10 લાખ નોકરીઓનું સર્જન કરાશે.
4. પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવામાં આવશે.
5. ગેસ સિલિન્ડર 500 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયામાં આપવામાં આવશે.
6. રાજ્યમાં RTE કાયદો લાવીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 12મા સુધીનું શિક્ષણ મફત કરાશે.
7. મનરેગા અને ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર 125થી વધારીને 150 દિવસ કરવામાં આવશે.
8. નાના વેપારીઓ અને દુકાનદારોને રૂ. 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવા માટે મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરાશે.
9. સરકારી કર્મચારીઓને 9,18,27 સાથે ચોથા પગાર ધોરણની શ્રેણી આપવામાં આવશે અને અધિકારીઓને સર્વોચ્ચ સ્કેલ આપવામાં આવશે.
10. 100 સુધીની વસ્તી ધરાવતા ગામો અને વસાહતોને રસ્તા દ્વારા જોડવામાં આવશે.
11. દરેક ગામ અને શહેરી વોર્ડમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરાશે.
12. આવાસનો અધિકાર કાયદો લાવીને દરેકને પોતાનું ઘર મળશે.
13. પહેલાથી ચાલી રહેલી યોજનાઓને વધુ મજબૂત બનાવાશે.

CM ગેહલોતે 97% વચનો પૂરા કર્યાની વાત કરી

કોંગ્રેસના ઢંઢેરાને લઈને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ગત વખતે ચૂંટણી જીત્યા બાદ અમે કેબિનેટની પહેલી બેઠકમાં મેનિફેસ્ટો જાહેર કર્યો હતો અને તેમાંથી અમે 97% વચનો પૂરા કર્યા છે. આ અમારી કામ કરવાની એક પદ્ધતિ છે. અમે દેશમાં અમારા ઘોષણા પત્રને મહત્તમ વિશ્વસનીયતા આપવા માંગીએ છીએ. મહત્ત્વનું છે કે,  રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.  2018માં યોજાયેલી ચૂંટણી બાદ કોંગ્રેસે ભાજપને સત્તા પરથી હટાવીને પોતાની સરકાર બનાવી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના કેપ્ટન સાથે ટીમ ભારતના કેપ્ટનના લાગણીભર્યાં દૃશ્યો, જૂઓ વીડિયો

Back to top button