ફ્લાઈટમાં પેસેન્જર ટોઈલેટમાં ફસાયો, આખી મુસાફરી બાથરુમમાં બેસીને કરવી પડી
મુંબઈ (મહારાષ્ટ્ર), 17 જાન્યુઆરી: મુંબઈથી બેંગલુરુ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઇટના ટોઈલેટમાં એક મુસાફર એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે ફ્લાઇટ લેન્ડ થયા બાદ જ તે બહાર નીકળી શક્યો. એક કલાકથી વધુ સમયની તેની મુસાફરી દરમિયાન તેણે મોટાભાગનો સમય શૌચાલયમાં વીતાવવો પડ્યો હતો. જો કે, આ ઘટના બાદ સ્પાઈસ જેટે પેસેન્જરની માફી પણ માંગી હતી. મળતી માહિતી અનુસાર, મંગળવારે પેસેન્જર મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેકઓફ થતાં પહેલાં દરવાજામાં ખામી સર્જાતા પેસેન્જર ટોઈલેટમાં ફસાઈ ગયો હતો.
પ્લેન લેન્ડ થયા પછી ટેક્નિશિયનને બોલાવવો પડ્યો
જ્યારે અનેક પ્રયાસો બાદ પણ ફ્લાઇટનો દરવાજો ન ખૂલ્યો ત્યારે પેસેન્જરે ક્રૂ મેમ્બર્સને દરવાજો ખોલવા માટે આજીજી કરી હતી. પરંતુ ક્રૂ પણ દરવાજો ખોલવામાં નિષ્ફળ નીવડ્યા. પેસેન્જરને પ્લેન લેન્ડ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઇટ લેન્ડ થયા બાદ ટેક્નિશિયનને બોલાવવામાં આવ્યો અને ઘણી મહેનત પછી દરવાજો ખૂલ્યો. આ દરમિયાન મુસાફરે એક કલાકથી વધુ સમય સુધી પ્લેનના ટોયલેટમાં બંધ રહેવું પડ્યું હતું. આમ, ફ્લાઇટમાં આ મુસાફરની આખી સફર ટોઈલેટની અંદર જ વીતાવવી પડી હતી.
ક્રૂ મેમ્બરે ચિઠ્ઠી સરકાવીને ચિંતા ન કરવાનું જણાવ્યું
આ દરમિયાન ક્રૂ મેમ્બરે ટોઇલેટના દરવાજાની નીચેથી એક ચિઠ્ઠી અંદરથી સરકાવી હતી. તેમાં લખ્યું કે અમે દરવાજો ખોલવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જો કે, અમે દરવાજો ખોલી શક્યા નથી, થોડીવારમાં પ્લેન લેન્ડ થશે. ત્યાં સુધી કમોડની સીટ બંધ કરીને તેના પર બેસીને પોતાને સુરક્ષિત કરી લો. લેન્ડિંગ પછી પ્લેનનો દરવાજો ખૂલતાની સાથે જ એન્જિનિયર આવી પહોંચશે. ચિંતા કરશો નહીં.
જુઓ બપોર સુધીના મહત્વના સમાચાર હમ દેંખેંગે ન્યૂઝની યૂટ્યૂબ ચેનલ પર
સ્પાઈસ જેટે નિવેદન જારી કરીને ખેદ વ્યક્ત કર્યો
આ ઘટના બાદ સ્પાઈસ જેટે એક નિવેદન જારી કરીને ખેદ વ્યક્ત કર્યો હતો. એરલાઈને તેના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે મુસાફરને પુરતી સહાય પૂરી પાડવામાં આવી છે. એરલાઈને પણ પોતાના નિવેદનમાં આ ઘટનાની જાણકારી આપી હતી. કંપનીના જણાવ્યા અનુસાર આ મામલો 16 જાન્યુઆરીનો છે. લૉકમાં ખામીના કારણે પ્લેનના ટોઇલેટનો દરવાજો ખુલી શક્યો ન હતો. એરલાઈને દાવો કર્યો છે કે મુસાફરોને આખી મુસાફરી દરમિયાન મદદ અને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: VIDEO: રોષે ભરાયેલા પેસેન્જરે ફ્લાઇટમાં અનાઉસેમન્ટ કરતાં પાયલટને મુક્કો માર્યો