ચાલતી ટ્રેનમાં ઇલેક્ટ્રિક કિટલીમાં પાણી ઉકાળવું મુસાફરને મોંઘું પડ્યું, જાણો શું થયું?
અલીગઢ (ઉત્તર પ્રદેશ), 15 જાન્યુઆરી: ચાલતી ટ્રેનમાં ઈલેક્ટ્રિક કિટલી વડે પાણી ગરમ કરવું મુસાફરને ભારે પડ્યું છે. વાત એમ છે કે, પેસેન્જર મોબાઈલ ફોનના ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રિક કિટલીથી પાણી ગરમ કરી રહ્યો હતો. જેને લઈને રેલવે પ્રોટેક્શન ફોર્સે તેની ધરપકડ કરી છે. ઈલેક્ટ્રિક કિટલીમાં પાણી ગરમ કરતો શખ્સ લેહનો રહેવાસી છે. તેણે ખુલાસો કરતાં જણાવ્યું કે, કોચમાં એક 70 વર્ષની એક વૃદ્ધ મહિલા હતી. દવા લેવા માટે તેમને ગરમ પાણીની જરૂર હતી. તેથી તેણે કિટલી વડે પાણી ઉકાળવાનું વિચાર્યું હતું. જો કે, આ ઘટના શનિવારે સાંજે મહાબોધિ એક્સપ્રેસ ગયાથી નવી દિલ્હી જઈ રહી હતી ત્યારે બની હતી.
મુસાફરે ટ્રેનમાં ઈલેક્ટ્રિક કિટલી વડે પાણી ઉકાળ્યું
ટ્રેનના એમ-2 કોચમાં મુસાફરી કરી રહેલા તાસી નામના મુસાફરે પોતાની ઈલેક્ટ્રીક કિટલી કાઢીને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટમાં લગાવી દીધી અને મહિલાને ગરમ કરીને પાણી આપ્યું. આ અંગે પ્રયાગરાજ રેલવે ડિવિઝનથી અલીગઢ જંકશન રેલવે સ્ટેશનને જણાવવામાં આવ્યું હતું. જ્યારે ટ્રેન અલીગઢ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે RPF એએસઆઈ ઓમવીર સિંહ અને કોચના સ્ટાફ પૂછપરછ કરવા પહોંચ્યા હતા.
આ દરમિયાન તાસીએ જણાવ્યું કે મહિલાને દવા લેવા માટે ગરમ પાણીની જરૂર હતી. તેણે પેન્ટ્રી કાર સ્ટાફને પણ વિનંતી કરી હતી. જ્યારે તેઓ પાણી લાવ્યા ન હતા, ત્યારે તેણે તેની ઇલેક્ટ્રિક કિટલીને ટ્રેનના કોચના ચાર્જિંગ પોઈન્ટમાં લગાવી દીધી અને તેમને ગરમ પાણી આપ્યું. જ્યારે ટ્રેન સ્ટાફે તેને આ માટે અટકાવ્યો તો તેણે તરત ઇલેક્ટ્રિક કિટલી કાઢી નાખી.
આરોપી સામે કેસ નોંધીને દંડ ફટાકાર્યો
આ મામલામાં અલીગઢ આરપીએફ પોસ્ટના કમાન્ડર રાજીવ વર્માએ જણાવ્યું કે રેલવેના ચાર્જિંગ પોઈન્ટનો દુરુપયોગ કરવા બદલ પેસેન્જર તાસી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેને અલીગઢમાં રેલવે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. RPF અધિકારી દ્વારા આરોપીને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આવું કામ શોર્ટ-સર્કિટનું કારણ બની શકે છે, જેના કારણે ટ્રેનના AC-III કોચમાં મોટી આગ લાગવાની ઘટના બની શકત.
આ પણ વાંચો: VIDEO: રોષે ભરાયેલા પેસેન્જરે ફ્લાઇટમાં અનાઉસેમન્ટ કરતાં પાયલટને મુક્કો માર્યો