ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારાઓને આકરી સજા કરવાની સંસદીય સમિતિની ભલામણ

Text To Speech

નવી દિલ્હીઃ સંસદીય સમિતિએ ખાદ્ય ચીજોમાં ભેળસેળ (adulterated food) કરનારાઓ માટે ઓછામાં ઓછી છ મહિનાની કેદની આકરી સજા ઉપરાંત રૂપિયા 25,000ના દંડની ભલામણ કરી છે. ભાજપના સાંસદ બ્રિજલાલના નેતૃત્ત્વ હેઠળની આ સંસદીય સમિતિએ (Parliament committee)  ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય સાક્ષી અધિનિયમ કાયદાના ડ્રાફ્ટની સમીક્ષા કર્યા બાદ આ ભલામણ કરી હતી.

સંસદીય સમિતિએ તેની ભલામણમાં જણાવ્યું છે કે, ખાદ્યચીજોમાં ભેળસેળ થવાને કારણે લોકો ગંભીર બીમારીમાં પટકાઈ શકે છે અથવા ક્યારેક જીવનું જોખમ પણ ઊભું થતું હોય છે અને તેથી હાલ આવા ભેળસેળીઓ માટે જે સજા છે તે પૂરતી નથી અને તેમાં વધારો કરવો જોઇએ. હાલના કાયદા હેઠળ ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારા પકડાય તો તેમને અમુક દિવસથી લઈને મહત્તમ છ મહિના સુધીની જેલ અને સાવ સામાન્ય રકમથી લઈને મહત્તમ રૂપિયા 1000 સુધીનો જ દંડ થાય છે.

સંસદીય સમિતિએ કહ્યું કે, લોકોના જીવન માટે જોખમ ઊભું કરનારા માટે આ સજા ઓછી કહેવાય. સમિતિની ભલામણ છે કે, ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારા અપરાધીઓને ઓછામાં ઓછી છ મહિનાની કેદથી લઈને શક્ય તેટલી મહત્તમ કેદની સજા તેમજ ઓછામાં ઓછો રૂપિયા 25,000નો દંડ કરવો જોઇએ.

સમિતિએ કહ્યું કે, ખાદ્ય ચીજો અથવા પીણાંમાં ભેળસેળ થાય તો નાગરિકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થાય છે અને તેથી સજાની જે વર્તમાન જોગવાઈ છે તે અપૂરતી છે.

સમિતિએ તેનો આ અહેવાલ રાજ્યસભા સચિવાયલને સોંપી દીધો છે. આ કાયદાના મુસદ્દામાં અમુક પ્રકારના અપરાધીઓ માટે સામુદાયિક સેવા જેવી સજાની જે જોગવાઈ કરવામાં આવી છે તેની સંસદીય સમિતિએ પ્રશંસા કરી છે. સમિતિએ કહ્યું કે, તેને કારણે જેલોમાં ભારણ ઘટશે અને અપરાધીઓને સુધારવાની શક્યતા ઊભી થશે. અલબત્ત, હાલના મુસદ્દામાં સામુદાયિક સેવાના પ્રકાર તથા તેની મુદતની કોઈ સ્પષ્ટતા નથી તેથી એ સ્પષ્ટતા કરવાનું જણાવવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકાર ભારતીય દંડ સંહિતા (ફોજદારી કાયદો)ને સ્થાને ભારતીય નાગરિક સંરક્ષણ કાયદો તથા ઈન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને ભારતીય સાક્ષી કાયદો લાવવા માગે છે જે અંગે ગત 11 ઑગસ્ટે સંસદમાં ખરડો દાખલ કરવામાં આવ્યો હતો. હવે ચાર ડિસેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્રમાં આ ખરડા ઉપર ચર્ચા કરીને તે પસાર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ-વલસાડમાં ભેળસેળિયાઓ પર તવાઈ, 10.34 લાખનો ઘીનો જથ્થો જપ્ત

Back to top button