પાલનપુર : લીંબુણી અને જોરાવરગઢ નજીક બે અકસ્માતમાં બે બાઈક સવારના મોત
પાલનપુર: સુઇગામ તાલુકામાં જાણે યમરાજે ધામા નાખ્યા હોય તેમ બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બન્ને જગ્યાએ એક એક બાઈક સવારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, અકસ્માતની આ ઘટનામાં સુઇગામથી મોરવાડા તરફ જઈ રહેલા સાંતલપુરના ઝઝામ ગામના બાઈક ચાલક બબાભાઈ પચાણભાઈ પટેલને લીંબુણી પાટિયા નજીક સામેથી આવતા જીપડાલાના ચાલકે ગફલતભરી રીતે ટક્કર મારતાં બાઈક સવાર યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
લીંબુણી નજીક જીપડાલાએ, જોરાવરગઢ નજીક મિક્સર વાહને બે બાઈક સવારોને ટક્કર મારી હતી
જ્યારે બીજા બનાવમાં જોરાવરગઢ પાટિયા નજીક કટાવ તરફ જવાના રોડ અને ભારત માલા સિક્સલેન હાઇવે વચ્ચે સામેથી માતેલા સાંઢ ની જેમ આવતા ફ્લોરી વાહન (રેતી,સિમેન્ટ,કપચી નો માલ તૈયાર કરનાર મશીન) આવતાં જોરાવરગઢ ગામના બાઈક સવાર વિક્રમભાઈ હેમરાજભાઈ પટેલ ને જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિક્રમભાઈ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાવના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે ફ્લોરી ચાલક અકસ્માત સર્જી વાહન ત્યાં મૂકી નાસી છૂટ્યો હતો. બનાવને પગલે બન્ને સ્થળે સુઇગામ પોલીસ દોડી ગઈ હતી. અને જરૂરી કાર્યવાહી કરી બન્ને મૃતકોની લાશને P.M કરાવી લાશ તેમના વાલી વારસોને સુપ્રત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત માલામાં કામ કરતાં વાહનો સમેત પ્રાઇવેટ વાહનો પણ બેફામ દોડી રહ્યા છે. છતાં પોલીસ મુક પ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક માસમાં સુઇગામ તાલુકામાં અલગ અલગ છ અકસ્માતના બનાવોમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 4 બનાવોમાં મોટરસાઇકલ ના અકસ્માતો નો સમાવેશ થાય છે. ત્યારે હેલ્મેટ વગર દોડતા બાઈક ચાલકો સમેત બેફામ દોડતા મોટા વાહનો ઉપર પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
આ પણ વાંચો :રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે