માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડયો : તાપમાન માઇનસ 4 ડિગ્રી પહોંચ્યું

- ઠંડીથી જનજીવન થયું પ્રભાવિત
- ડીસામાં પણ નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા
પાલનપુર : આગામી તારીખ 28 ના રોજ કમમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી વચ્ચે જ બનાસકાંઠા અને રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનું જોર વધ્યું હતું. છેલ્લા ચાર દિવસથી લોકોને પથરાવી દેતી ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. જેને લઈને લોકોએ તાપણાં અને ગરમ પીણાંનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાનનો પારો ગગડીને માઇનસ ચાર ડિગ્રી પહોંચી ગયો છે.

જેને લઈને પાણીના જળ સ્ત્રોત પર બરફની પરત જામી ગઈ હતી. તો ઘઉંના વાવેતર કરાયેલા ખેતરોમાં પણ બરફની પરતો જામી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. છેલ્લા 20 દિવસથી માઉન્ટ આબુનું તાપમાન શૂન્ય થી નીચે રહ્યું છે. ઠંડીના કારણે બરફ જામતા માઉન્ટ આબુ આવતા પ્રવાસીઓમાં પણ મીની કાશ્મીર જેવા માહોલનો આનંદ માણી રહ્યા છે. અહીંના નખી તળાવની બોટ પર પણ બરફની પરત જામી ગઈ હતી. ઠંડીએ માઉન્ટ આબુમાં જાન્યુઆરી માસમાં તેનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે પણ ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા હતા. ઠંડી સાથે ભારે પવન રહેતા લોકોને વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. લોકોએ ગરમ વસ્ત્રો સાથે તાપણાનો પણ સહારો લીધો હતો. છેલ્લા પાંચ દિવસમાં ડીસામાં ઠંડીનો પારો 9 થી 12 ડિગ્રી વચ્ચે ચડ ઉતર થઈ રહ્યો છે. ત્યારે લોકોએ ઠંડીમાં પવનના કારણે વધુ ઠંડીનો અનુભવ કરતાં લોકોએ તડકામાં વધુ સમય ગાળવાનું પસંદ કર્યું હતું. જ્યારે શુક્રવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જો કે પવન ધીમો પડતાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં ફરી પકડાયું ડ્રગ્સ, ક્યારે અટકશે સિલસિલો ?












