ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ લખેલી કારમાં દારૂની હેરાફેરી, રૂ. 64 હજારનો દારૂ મળ્યો

Text To Speech
  • પોલીસને જોઇ ચાલકે કાર ભગાડી, શહેરમાં બે મોટર સાયકલ, રિક્ષાને અડફેટે લીધા
  • ગ્રાહક સુરક્ષા વિભાગ ગાંધીનગર ની કાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

પાલનપુર : પાલનપુર તાલુકા પોલીસનો સ્ટાફ હાઇવે ઉપર વાહનોના ચેકિંગમાં હતો. દરમિયાન આબુરોડ તરફથી ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ લખેલી કારને રોકાવવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કાર ભગાડી મૂકી હતી. અને શહેરમાં કાર પ્રવેશતા જ બે મોટરસાયકલ ચાલક અને એક રીક્ષા ચાલકને અડફેટે લીધા હતા. જ્યારે આ કારમાંથી રૂ. 64,000 નો દારૂ મળી આવ્યો હતો. જેને લઇને પોલીસે પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કાર ગાંધીનગરના ગ્રાહક સુરક્ષા વિભાગની હોવાનું સામે આવ્યું છે. સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી થી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પાલનપુર તાલુકા પી.આઇ. એ.વી.દેસાઇ સ્ટાફના માણસો સાથે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝા પાસે વાહન ચેકીંગમાં હતા.તે સમયે આબુરોડ તરફથી પાલનપુર તરફ આવી રહેલી સિયાઝ કાર નંબર જી.જે.18.જીબી.9779ની બંન્ને સાઇડ ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલુ હતુ.અને ઉપરના ભાગે સાયરન લગાવેલ હતુ. જેના પર શંકા જતા કારને રોકાવવા માટે ઇશારો કર્યો હતો.જેથી પોલીસને જોઇ કાર ચાલકે ત્યાંથી કાર ભગાડી સિટી વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.

પુર ઝડપે જઈ રહેલી કારે બે મોટર સાયકલ તેમજ એક રિક્ષાને અડફેટે લઇ તેમાં સવાર લોકોને ઇજાઓ પહોંચાડી હતી.ત્યારબાદ તાલુકા પોલીસે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા તમામ પોલીસ એલર્ટ થઇ ગોબરી રોડ પરથી ગાડીને ઝડપી લીધી હતી. દરમિયાન કારમાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ તેમજ બિયર નંગ-226 કિંમત રૂ.64,230 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જેથી પોલીસેગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લિંબોદરા ગામના કાર ચાલક હિતેશભાઇ મણીભાઇ મહેરીયા અને તેની સાથેના મૂળ રહેવાસી સોજા, હાલ રહેવાસી, નવાનું ડેલુ ઇદગાહ રોડ,અમદાવાદના જગદીશભાઇ કાળીદાસ પરમારની અટકાયત કરી તેમની પાસેથી કાર રૂ.5 લાખ,મોબાઇલ નંગ-2 કિંમત રૂ.10,000,દારૂ સહીતનો કુલ મુદ્દામાલ રૂ.5,74,230 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર ગ્રાહક સુરક્ષા વિભાગ ગાંધીનગરની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના ક્રિકેટરનું રાજકોટમાં ક્રિકેટ રમતા દરમ્યાન મોત

Back to top button