પાલનપુર: ગઢનો યુવક વિદેશ જવાની ઘેલછામાં છેતરાયો, એજન્ટે રૂપિયા 3.50 લાખ લઈ છેતરપીંડી કરી


પાલનપુર: ગઢ ગામના યુવકે વિદેશ જવા માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં એજન્ટે નાણાં લઈને પણ કામ કર્યું નહતું અને યુવકને લીધેલા નાણા પણ પરત આપ્યા ન હતા. આમ વિદેશ જવાની ઘેલછામાં યુવક સાથે છેતરપીંડી થઈ હતી.
વડોદરાના એજન્ટે વિઝા, પ્લેનની ટિકીટ માટે નાણાં ખાતામાં નખાવ્યા, કામ ન કર્યું, નાણાં પણ પરત ન આપ્યા
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ગઢના જીતેન્દ્રકુમાર મોતીભાઈ ભૂટકાને કામ અર્થે સિંગાપુર જવું હતુ. જેમણે અગાઉ વિદેશ ગયેલા પોતાના મિત્ર મડાણાના દિલખુશ નાથાભાઈ કોટડીયાને વાત કરી વડોદરા વીરાશાની પોળ ઘડીયાળી વિસ્તારમાં રહેતા એજન્ટ રાહુલ કે. પરીખનો સંપર્ક કર્યો હતો. અને વોટસઅપકોલથી વાત કરી હતી.
એજન્ટે તેમની પાસેથી સિંગાપુરના વિઝા અને પ્લેનની ટિકિટ માટે રૂપિયા 3 .50 લાખ આપવાનું કહેતા જીતેન્દ્રકુમારે જુદાજુદા સમયે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા 3.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આથી એજન્ટે સિંગાપુર ખાતે સેવન ઇલેવન મોલમાં સેલ્સ એજ્યુકેટીવ તરીકે નોકરીનો ઓફર લેટર, સિંગાપુર ખાતે વર્ક પરમિટ લેટર વોટસએપ પર મોકલ્યો હતો અને 15 દિવસમાં વિઝા તેમજ પ્લેનની ટિકિટ આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ મુદત પૂરી થયા પછી મલેશિયા મોકલવાની વાત કરી હતી. જોકે, ત્યાં પણ ન મોકલતાં અને નાણાં પરત માંગતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાયું હતુ. આ અંગે જીતેન્દ્રકુમારે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 32,674 જગ્યાઓ ખાલી !