પાકિસ્તાનની ફાતિમા સનાએ રચ્યો ઇતિહાસ, WT20Iમાં ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી

Fatima Sana creates history: ફાતિમા સનાએ મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન ફાતિમા સનાએ ઝિમ્બાબ્વે સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની T20 સીરિઝની છેલ્લી મેચમાં ફાતિમાએ તોફાની બેટિંગ કરતાં 19 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 વિશાળ છગ્ગાનો સમાવેશ થયો હતો.
ફાતિમાની આ ધમાકેદાર ઇનિંગના આધારે પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 223 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને આ મેચ 133 રને જીતી સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો. અગાઉ પાકિસ્તાને વનડે સીરિઝમાં પણ ઝિમ્બાબ્વેને 3-0થી હરાવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
WT20Iમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વર્લ્ડ રેકોર્ડ
ફાતિમા સનાએ માત્ર 15 બોલમાં ફિફ્ટી પૂરી કરીને મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
આ પહેલાં આ રેકોર્ડ સંયુક્ત રીતે સોફી ડિવાઇન, ફોબી લિચફિલ્ડ અને ઋચા ઘોષના નામે હતો. ત્રણેય ખેલાડીઓએ 18 બોલમાં અડધી સદી ફટકારી હતી.
તમામ મહિલા T20 ક્રિકેટમાં પણ સમાન રેકોર્ડ
ફાતિમા સના હવે તમામ મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી બનાવનાર સંયુક્ત ખેલાડી બની ગઈ છે. અગાઉ આ સિદ્ધિ મેરી કેલી અને લૉરા હેરિસએ હાંસલ કરી હતી.
પાકિસ્તાનનો જૂનો રેકોર્ડ પણ તૂટ્યો
પાકિસ્તાન માટે સૌથી ઝડપી T20 ફિફ્ટીનો અગાઉનો રેકોર્ડ નિદા ડારના નામે હતો. તેમણે 2019માં દક્ષિણ આફ્રિકા સામે 20 બોલમાં અડધી સદી નોંધાવી હતી.
જ્યારે ભારત માટે ઋચા ઘોષે 2024માં વેસ્ટ ઇન્ડિઝ સામે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
આ પણ વાંચો : વિદેશ પ્રવાસ પર ટેક્સ નહીં લાગે, PM મોદીએ અફવાઓ ફગાવી: કહ્યું- “આ સરાસર ખોટી વાત છે”












