ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનનો ઈરાન વિરુદ્ધ જવાબી હુમલો, આતંકવાદી ઠેકાણાઓનો કર્યો નાશ

  • હુમલા અંગે પાકિસ્તાન તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું
  • ‘માર્ગ બાર સરમાચાર’ કોડનેમ હેઠળ સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંતમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કરવામાં આવ્યા 

પાકિસ્તાન, 18 જાન્યુઆરી: ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પરેશાન છે. પાકિસ્તાની મીડિયાએ એવો દાવો કર્યો હતો કે, પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. ત્યારબાદ આ હુમલા અંગે પાકિસ્તાન તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આજે સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણા પર અત્યંત સંકલિત અને ખાસ લક્ષ્યાંકિત સૈન્ય હુમલાઓની શ્રેણી હાથ ધરી હતી. ઇન્ટેલિજન્સ-આધારિત ઓપરેશન દરમિયાન સંખ્યાબંધ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલાનો કોડનેમ ‘માર્ગ બાર સરમાચાર’ હતો.

 

પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હુમલા ઈરાનમાં BLA આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (BLF) જેવા બલૂચ અલગતાવાદી આતંકવાદી ગ્રુપ ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ કરે છે.

પાકિસ્તાનનો ઈરાન પર આરોપ

પાકિસ્તાનનો દાવો છે કે, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઈરાનમાં રહીને પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ઘડે છે અને હુમલા કરે છે. ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરે છે. ઈરાને હંમેશા આવા દાવાઓને નકાર્યા છે.

બલૂચ પાકિસ્તાનનો કરે છે વિરોધ

હકીકતમાં, બલૂચિસ્તાનની સરહદ ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમમાં ઈરાન સાથે જોડાયેલી છે. બલૂચિસ્તાન હંમેશાથી ખનિજ સંસાધનોથી સમૃદ્ધ પ્રાંત રહ્યો છે. બલૂચે હંમેશા પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગણી કરી છે અને તેમના વિસ્તારમાંથી મહત્વપૂર્ણ ખનિજ સંસાધનોના નિષ્કર્ષણનો વિરોધ કર્યો છે. અગાઉ પાકિસ્તાન અહીંના ખનિજ સંસાધનોનું શોષણ કરતું હતું અને બાદમાં તેણે ચીનને મંજૂરી આપી હતી, ત્યારથી બલૂચ નાગરિકોનો વિરોધ વધ્યો છે. આ વિરોધને કારણે BLA અને BLF જેવા સંગઠનો પાકિસ્તાની સૈન્ય દળો અને ચીની સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે.

ઈરાને પાકિસ્તાન પર કર્યો હતો હવાઈ હુમલો

અગાઉ, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પાકિસ્તાને વિદેશ મંત્રાલયમાં ઈરાનના પ્રભારી રાજદૂતને બોલાવીને ‘તેના એરસ્પેસના ઉલ્લંઘન’ની સખત નિંદા કરી હતી. પાકિસ્તાની વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ઈરાનનું આ કૃત્ય ‘તેના એરસ્પેસનું બિનઉશ્કેરણીજનક ઉલ્લંઘન’ છે. આ પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન દ્વારા ઈરાનના એક સૈન્ય અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઈરાન સતત ચેતવણી આપી રહ્યું છે કે, જૈશ-ઉલ-અદલ આતંકવાદી જૂથ તેના સુરક્ષા દળો પર હુમલો કરવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યું છે અને બલૂચિસ્તાનના સરહદી શહેર પંજગુરમાં તેનો અડ્ડો છે. પાકિસ્તાને કહ્યું કે, ‘ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી પાસે પહેલેથી જ આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આ પણ જુઓ :ઈરાનની એરસ્ટ્રાઈકથી પરેશાન પાકિસ્તાન, ગંભીર પરિણામની આપી ચેતવણી

Back to top button