Pakistan News: પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો, 3 પોલીસકર્મીના મૃત્યુ: 6 આતંકી ઠાર

લાહોર, તા. 11 ઓક્ટોબર, 2025: પાકિસ્તાનના ખૈબર પખતૂનખાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાનમાં આતંકીઓએ પોલીસ ટ્રેનંગ સ્કૂલ પર આત્મઘાતી હુમલો કરવાની કોશિશ કરી હતી પરંતુ સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ અથડામણમાં છ આતંકી માર્યા ગયા હતા, જ્યારે ત્રણ પોલીસકર્મીના પણ મૃત્યુ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કૂલમાં ઘૂસીને મોટો હુમલો કરવાનો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક વળતો જવાબ આપીને તેમને ઠાર માર્યા હતા. પોલીસે માહિતી આપી હતી કે ડેરા ઈસ્માઈલ ખાનના ડીપીઓ (જિલ્લા પોલીસ અધિકારી) ની આગેવાની હેઠળ પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં TTP ના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં વધતી કડવાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.
પંજાબમાં અહમદી સમુદાયની મસ્જિદ પર હુમલો
આ સિવાય, શુક્રવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંત ના ચનાબ નગર માં અહમદી સમુદાય ની બૈત-ઉલ-મહદી મસ્જિદ પર જુમાની નમાઝ બાદ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં અનેક સ્વયંસેવકો ઘાયલ થયા હતા અને એક હુમલાખોર માર્યો ગયો હતો.
પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમ સમુદાય પર થઈ રહેલા ટાર્ગેટેડ હુમલાઓનું આ નવીનતમ ઉદાહરણ છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે સમુદાયે સરકાર પાસે દોષિતોની ઝડપી ધરપકડ અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ અમેરિકા-ચીન વચ્ચે Tariff War, ટ્રમ્પે ચાઇનીઝ પ્રોડક્ટ પર લગાવ્યો 100 ટકા ટેરિફ












