પહલગામ આંતકી હુમલા પર મણિશંકર ઐયરનો બફાટ: આપણે જ છાતી પીટીને પાકિસ્તાનને જવાબદાર માનીએ, બાકી કોઈ નથી માનતું

નવી દિલ્હી: કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે. ઐયરે કહ્યું કે ભારત સરકાર આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયના કોઈપણ દેશે આ દાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો નથી.
હકીકતમાં, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. ઘટના સમયે પ્રવાસીઓ આહ્લાદાયક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા હતા, આ હુમલા પાછળ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા પછી, ભારત સરકારે 33 દેશોમાં સર્વપક્ષીય સાંસદોના સાત પ્રતિનિધિમંડળો મોકલ્યા, જેથી આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનનો પર્દાફાશ થઈ શકે. આ પ્રતિનિધિમંડળોમાં કોંગ્રેસના નેતાઓ શશી થરૂર, મનીષ તિવારી અને આનંદ શર્માનો પણ સમાવેશ થાય છે.
હવે કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરનું નિવેદન સામે આવ્યું છે. ઐય્યરે કહ્યું, આપણે જે 33 દેશોની મુલાકાત લીધી તેમાંથી કોઈએ પણ પહલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર કે અમેરિકાએ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. ફક્ત આપણે કહી રહ્યા છીએ કે આ પાછળ પાકિસ્તાનનો હાથ છે, પરંતુ કોઈ આપણને ગંભીરતાથી લેતું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છીએ કે આ હુમલો કઈ પાકિસ્તાની એજન્સીએ કર્યો છે. આપણી પાસે કોઈ નક્કર પુરાવા નથી, જે લોકોને ખાતરી આપી શકે કે આ પાછળ પાકિસ્તાનનો હાથ છે.
મણિશંકર ઐયરે શું કહ્યું… સંપૂર્ણ નિવેદન
“તે 33 દેશોમાં કોઈએ કહ્યું નહીં… જ્યાં થરૂર અને તેમના લોકો ગયા હતા. કોઈએ કહ્યું નહીં કે પાકિસ્તાન જવાબદાર છે. યુએનએ કહ્યું નહીં કે પાકિસ્તાન જવાબદાર છે. અમેરિકાએ કહ્યું નહીં કે પાકિસ્તાન જવાબદાર છે. આપણે જ છાતી પીટીને કહીએ છીએ કે અફસોસ… પાકિસ્તાન જવાબદાર છે. કોઈ માનવા તૈયાર નથી. આપણે એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી જેનાથી લોકોને ખાતરી થાય… કે અમને ખબર પડે કે કઈ પાકિસ્તાની એજન્સીએ આ કૃત્ય કર્યું છે.”
પહલગામમાં શું થયું?
પહલગામ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે કાશ્મીર ખીણમાં પ્રવાસન મોસમ ચરમસીમાએ હતી. આ ઘટના પછી, ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના જોડાણનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરના દાચીગામના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદી હુમલાના ગુનેગારોને ઠાર કરવામાં આવ્યા છે. ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ, સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. એક આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો. માર્યા ગયેલા આતંકવાદીઓના નામ સુલેમાન, અફઘાની અને જિબ્રાન છે.
આ પણ વાંચો: ગુજરાતને મળશે આજે મોટી ગિફ્ટ: ભાવનગર-અયોધ્યા ડાયરેક્ટ ટ્રેન શરુ થશે, જાણો ટ્રેનનો રુટ અને ટાઈમ ટેબલ












