‘અમારો દેશ આતિથ્ય માટે જાણીતો છે’ : બાયડનની ટિપ્પણીનો જયશંકરે આપ્યો જવાબ
નવી દિલ્હી, 4 મે: તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ભારતને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતને ઝેનોફોબિક એટલે કે વિદેશીઓ પ્રત્યે ઘણો અણગમો અથવા ડર હોવાનું ગણાવ્યું હતું. હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે યોગ્ય જવાબ આપ્યો અને બાયડનના નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું. એસ જયશંકરે કહ્યું કે ભારત વિવિધ સમાજના લોકોનું સ્વાગત કરે છે અને આપણો દેશ આતિથ્ય માટે જાણીતો છે.
એસ જયશંકરે કહ્યું કે હું ખરેખર કહીશ કે વિશ્વના ઈતિહાસમાં ભારત એવો દેશ રહ્યો છે જેણે હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરી છે. અલગ-અલગ સમાજના લોકો ભારતમાં આવે છે અને તેથી જ આપણો દેશ ખાસ બની જાય છે.
હાલમાં જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવ્યો છે. આ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે અમારી પાસે નાગરિકતા સંશોધન કાયદો (CAA) છે, જે અન્ય દેશોમાં મુશ્કેલીમાં ફસાયેલા લોકો માટે દરવાજા ખોલે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે જેમને ભારત આવવાની જરૂર છે, જેઓ ભારત આવવા માંગે છે તેમના માટે આપણે આપણા દરવાજા ખુલ્લા રાખવા જોઈએ.
CAAના ટીકાકારો પર જયશંકરે શું કહ્યું?
CAAની ટીકા કરનારાઓ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે એવા લોકો છે જેમણે જાહેરમાં કહ્યું છે કે CAAના કારણે આ દેશના 10 લાખ મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવશે. તેમની પાસેથી જવાબો કેમ લેવામાં આવતા નથી? શું હજુ સુધી કોઈએ તેમની નાગરિકતા ગુમાવી છે?
ભારતમાં એજન્ડા ચલાવવાનો પ્રયાસ
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે આવા લોકોએ અનેક મામલામાં પોતાના રાજકીય હિતોને પણ ખુલ્લા પાડ્યા છે. તેમણે ભારતના અન્ય રાજકીય પક્ષોને ખુલ્લું સમર્થન આપવાનો સંકેત આપ્યો છે. તેઓ ચોક્કસ મુદ્દાઓ પર આગળ આવ્યા છે અને તેમના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ પણ કર્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન પર નિશાન સાધતા વિદેશ મંત્રીએ કહ્યું કે આ તે લોકો છે જેમણે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે જે પણ થઈ રહ્યું છે તેમાં તેમની ભાગીદારી છે. તેઓ માને છે કે જે થઈ રહ્યું છે તેમાં તેમની ભૂમિકા છે.
આ પણ વાંચો: ‘પહેલા રાયબરેલી તો જીતો …!’: રાહુલ ગાંધીના ફેવરેટ ચેસ ખેલાડીએ તેમની જ પર કર્યો કટાક્ષ