સલમાન ખાનના ઘર પર ફાયરિંગમાં વપરાયેલી એક બંદૂક મળી, બીજીની તપાસ ચાલુ
સુરત, 22 એપ્રિલઃ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે સોમવારે ગુજરાતના સુરતમાં તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સલમાનના ઘરની બહાર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક મળી આવી હતી. કચ્છમાંથી પકડાયેલા આ કેસના બે આરોપીઓએ પૂછપરછ દરમિયાન એવું કબૂલ્યું હોવાનું કહેવાય છે કે ફાયરિંગ કર્યા બાદ તેમણે ભાગતી વખતે બંદૂકો તાપી નદીમાં ફેંકી દીધી હતી. અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર14 એપ્રિલે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં લોરેન્સ બિશ્નોઈ ગ્રુપનું નામ સામે આવ્યું છે.
બીજી બંદૂકની શોધ ચાલુ
પોલીસે જણાવ્યું કે તેમને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક અને સુરતની તાપી નદીમાંથી કેટલાક જીવતા કારતૂસ મળી આવ્યા છે. જોકે, પોલીસ હજુ બીજી બંદૂકની શોધમાં છે. સલમાનના ઘરે ફાયરિંગ કરનારા યુવકો વિકી ગુપ્તા અને સાગર પાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે સલમાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ તેઓ મુંબઈથી રોડ માર્ગે સુરત પહોંચ્યા હતા. અહીંથી તે ટ્રેનમાં ભુજ ગયા હતા જ્યાં મુસાફરી દરમિયાન રેલવે બ્રિજ પરથી પિસ્તોલ તાપી નદીમાં ફેંકી દીધી હતી.
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા શૂટર્સ પાસે બે બંદૂકો હતી અને તેમને 10 રાઉન્ડ ફાયર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ગુનો કર્યા બાદ તેઓએ સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી દીધી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આરોપી વિકી ગુપ્તાને પોતાની સાથે સુરત તાપી નદીમાં લઈ ગઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. પોલીસ આ કેસમાં અન્ય કલમો પણ ઉમેરી શકે છે.
આ પણ વાંચોઃ ‘કલ્કિ 2898 AD’ માં અમિતાભના પાત્ર પરથી હટ્યો પડદો, અશ્વત્થામાના લુકમાં બિગ બી