બાઈડને પ્રમુખ પદની રેસમાંથી ખસી જવા પર કહ્યું: ટ્રમ્પને હરાવવા માટે મારાથી શ્રેષ્ઠ કોઈ નથી
- અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન ફરી એકવાર આમને-સામને આવ્યા
વોશિંગ્ટન DC, 09 જુલાઈ: અમેરિકામાં આ વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રમુખ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન ફરી એકવાર આમને-સામને છે. બાઈડન પ્રથમ લાઇવ ટીવી ડિબેટ દરમિયાન ટીકાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બાઈડન રેસમાંથી ખસી જાય તેવી માંગણીઓ ઉઠી રહી છે. પરંતુ બાઈડને આવી માંગણી કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જો બાઈડને ડેમોક્રેટ્સને જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, પ્રેસમાં ગમે તેવી અફવાઓ ફેલાતી હોવા છતાં હું કહેવા માંગુ છું કે, હું આ રેસમાં રહીશ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીશ. બાઈડને કહ્યું કે, તેઓ આ રેસમાંથી હટવાના નથી અને તેઓ જાણે છે કે ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવા માટે તેમનાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે.
This morning, I sent a letter to my fellow Democrats on Capitol Hill. In it, I shared my thoughts about this moment in our campaign.
It’s time to come together, move forward as a unified party, and defeat Donald Trump. pic.twitter.com/ABtAaJrr0n
— Joe Biden (@JoeBiden) July 8, 2024
બાઈડને જારી કરેલા નિવેદનમાં શું કહ્યું?
જો બાઈડને ડેમોક્રેટ્સને જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, જો તેમને વિશ્વાસ ન હોત કે 2024ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે તેઓ શ્રેષ્ઠ વ્યક્તિ છે, તો તે ફરીથી પ્રમુખ પદની ચૂંટણી ન લડત. પ્રેસમાં ગમે તેવી અફવાઓ હોવા છતાં હું કહેવા માંગુ છું કે હું આ રેસમાં રહીશ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીશ. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક નોમિનેશન પ્રક્રિયામાં મતદારોએ સ્પષ્ટપણે પોતાનો ચુકાદો આપ્યો હતો. મને 1.4 કરોડ મત મળ્યા એટલે કે સમગ્ર નોમિનેશન પ્રક્રિયામાં પડેલા મતના 87 ટકા.
ગયા અઠવાડિયે, બાઈડને ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, હવે ફક્ત ભગવાન જ તેમને આ રેસમાંથી ખસી જવા માટે કહી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, બાઈડનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડેમોક્રેટ્સનો એક વર્ગ 27 જૂને પ્રથમ લાઈવ ટીવી ડિબેટ દરમિયાન બાઈડેનના નિરાશાજનક પ્રદર્શનની ટીકા કરી રહ્યો છે અને તેમની રેસમાંથી ખસી જવાની વાત કરી રહ્યો છે.