અમદાવાદના જુહાપુરામાં ફ્લેટમાં આગ લાગતાં વૃદ્ધાનું મૃત્યુ, 20થી 25 વાહનો ખાખ
- આગ લાગવાની આ ઘટનામાં વેજલપુર પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી
અમદાવાદ, 15 માર્ચ: અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા મેટ્રો ફ્લેટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. મળતા અહેવાલ પ્રમાણે જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં મેટ્રો મેન્સન ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં આગ લાગતા અફરા-તફડીનો માહોલ સર્જાયો હતો અને આગ લાગવાના જાણકારી મળતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે 210 વ્યક્તિને બચાવ્યા હતા. ફ્લેટમાં આગ લાગવાને કારણે વૃદ્ધ મહિલાનું ગૂંગળામણથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 20થી 25 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં વેજલપુર પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આગ લાગવા પાછળનું કારણ અકબંધ
આ દુર્ઘટનામાં ફાયર વિભાગની ટીમે સંખ્યાબંધ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જોકે આ આગમાં બેઝમેન્ટમા પાર્ક કરેલા 25થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જોકે પ્રાથમિક દૃષ્ટિએ આ આગ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આગ પર ફાયર વિભાગની ટીમ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, તો બીજી તરફ આગ કયા કારણોસર લાગી અને તેને કઈ રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને વેજલપુર પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ: અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં થયેલ વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં PI ખાચરની મુશ્કેલી વધી