ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીનું જાહેરનામું 30મી માર્ચે આવશે, 23 એપ્રિલે મતદાન યોજાશે

Umreth Assembly by-election: ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી-2026ની જાહેરાત કરવામાં આવી છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીનું જાહેરનામું આગામી તારીખ 30 મી માર્ચ સોમવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ હશે અને તારીખ 23 એપ્રિલને ગુરુવારના રોજ મતદાન યોજાશે, ત્યારબાદ તારીખ 04 મે સોમવારના રોજ મત ગણતરી યોજાશે.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ 2 તાલુકાના કુલ 46 ગ્રામ પંચાયત અને 3 નગરપાલિકા નો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીમાં 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જે 213 બિલ્ડીંગ વખતે કાર્યરત છે. આ ચૂંટણીમાં 1,25,705 પુરુષ અને એક લાખ 1,17,128 મહિલા મતદારો તથા 03 અન્ય મતદારો મળીને કુલ 2,42,836 મતદારો તા. 17 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવેલ મતદાર યાદીમાં નોંધાયા છે, જેમાં ઉમરેઠ વિધાનસભામાં 146 સર્વિસ વોટર્સનો સમાવેશ થાય છે.

ઉમરેઠ વિધાનસભામાં નક્કી કરવામાં આવેલ 306 મતદાન મથકો પૈકી 68 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 238 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ મતદાન મથકોમાં કુલ 213 બિલ્ડીંગ વખતે 306 મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એક મતદાનમથક હોય તેવા બિલ્ડિંગ 137, બે મતદાનમથક હોય તેવા બિલ્ડીંગ 59 અને ત્રણ મતદાનમથક હોય તેવા બિલ્ડીંગ 17 મળીને કુલ 213 બિલ્ડીંગ વખતે 306 મતદાનમથક નક્કી કરવામાં આવ્યા છે. આ 306 મતદાનમથકો ખાતે મતદાન યોજાશે. 3 મતદાનમથકો ખાતે 300 કરતા ઓછા મતદારો, 302 મતદાનમથકો ખાતે 1100 જેટલા મતદારો અને 1 મતદાનમથક ખાતે 1,200 જેટલા મતદારો નોંધાયા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ ચૂંટણીમાં 2 સખી મતદાનમથકો એટલે કે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, 1 દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથક, 2 યુવા અધિકારી- કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક અને 5 મોડેલ મતદાનમથકો બનાવવામાં આવનાર છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ઉમરેઠ વિધાનસભા માટે 29 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 29 ઝોનલ ઓફિસર અને  29 મદદનીશ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા નોડલ અધિકારીઓ, આદર્શ આચાર સંહિતાની ટીમ અને ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખનાર ટીમોને તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ફાળવવામાં આવનાર ઈવીએમ મશીનો માટે ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર ડી.એમ.પટેલ આર્ટસ કોલેજ અને એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ, ઓડ ખાતે નક્કી કરવામાં આવ્યા છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા સંબંધી કાર્યવાહી માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક કાચાની નિમણૂક કરવામાં આવી છે, ચૂંટણીની આચાર સહિતા ભંગ થતો હોય તેની ફરિયાદો તેમને કરી શકાય છે. આ ઉપરાંત 1950 ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇન નંબર 1800 426 2560 ઉપર તથા cvgil એપ્લિકેશન ઉપર પણ આદર્શ આચારસિતા ભંગની ફરિયાદ કરી શકાય છે.

આ પણ વાંચો: સાવધાન: ખાલી માર્ચ નહીં, એપ્રિલમાં પણ આંધી-તોફાન સાથે માવઠું આવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

Back to top button