માત્ર ભારત નહિ, વિદેશોમાં પણ છે માતાની શક્તિપીઠઃ આ દેશોના નામ અચરજ પમાડશે
- માતા સતીના શરીરના અંગો અને આભૂષણો પૃથ્વી પર વિવિધ સ્થળોએ 51 ટુકડામાં પડ્યા હતા, જે બાદમાં શક્તિપીઠ તરીકે ઓળખાયા
Navratri 2023: નવરાત્રી નિમિત્તે મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર મા દુર્ગાના તમામ સ્વરૂપોની પૂજા કરવાથી તમને ઇચ્છિત આશીર્વાદ મળે છે. આજે નવરાત્રીના શુભ પ્રસંગે માતાના પ્રખ્યાત શક્તિપીઠો વિશે જાણો. શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે જ્યારે માતા સતીએ સ્વયંને હવન કુંડમાં ભસ્મ કરી દીધા હતા. ભોલેનાથ પોતાની પત્નીનું મૃત્યુ સહન ન કરી શક્યા અને માતા સતીના મૃત દેહ સાથે તાંડવ કરવા લાગ્યા, જેના પરિણામે બ્રહ્માંડ પર પ્રલય થવા લાગ્યો, જે રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ચલાવ્યું પરિણામે માતા સતીના શરીરના ટુકડા થઇ ગયા. માતા સતીના શરીરના અંગો અને આભૂષણો પૃથ્વી પર વિવિધ સ્થળોએ 51 ટુકડાઓમાં પડ્યા હતા, જે બાદમાં શક્તિપીઠ તરીકે ઓળખાયા.
વિશ્વના 51 સ્થળોએ માતાના શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે. પછીના જન્મમાં સતીનો જન્મ પાર્વતી તરીકે રાજા હિમાલયના ઘરે થયો હતો અને કઠોર તપસ્યા કરીને શિવને ફરીથી પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. ભારતભરમાં જુદા જુદા સ્થળોએ પવિત્ર શક્તિપીઠો સ્થાપિત છે.
દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનો ઉલ્લેખ છે. ભારતમાં 42 શક્તિપીઠ છે અને 5 દેશોમાં 9 શક્તિપીઠ છે.
વિદેશમાં સ્થાપિત શક્તિપીઠ
9 શક્તિપીઠ વિદેશમાં સ્થાપિત છે. જેમાં પાકિસ્તાનમાં 1, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબેટમાં 1 અને નેપાળમાં 2 શક્તિપીઠ સ્થાપિત છે.
તિબ્બત
ભારત પાસે આવેલા તિબબ્તમાં પણ હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે, તેઓ હિન્દુ સંસ્કૃતિને અનુસરે છે. અહી માનસરોવરના કાંઠે માનસ શક્તિપીઠ આવેલી છે. મનસા દેવીનું મંદિર સુપ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે માતા સતીની જમણા હાથની હથેળી અહીં પડી હતી.
નેપાળ
નેપાળમાં બે શક્તિપીઠ આવેલા છે.
આદ્ય શક્તિપીઠ
આદ્ય શક્તિપીઠ નેપાળમાં ગંડક નદી પાસે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતા સતીનો ડાબો ગાલ પડ્યો હતો. અહીં માતાના ગંડકી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ગુહેશ્વરી શક્તિપીઠ
નેપાળના કાઠમંડુમાં ગુહેશ્વરી શક્તિપીઠ છે, જે પશુપતિનાથ મંદિરથી થોડે દૂર બાગમતી નદીના કિનારે સ્થિત છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા સતીના બંને ઘૂંટણ પડ્યા હતા. અહીં શક્તિના મહામાયા સ્વરૂપ અને ભગવાન શિવના ભૈરવ કપાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
પાકિસ્તાન
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં માતા સતીનું એક શક્તિપીઠ આવેલું છે. જેનું નામ છે હિંગળાજ શક્તિપીઠ. અહી હિંગળાજ દેવીની આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સ્થાન પર દેવી સતીનું માથુ પડ્યુ હતું. આ શક્તિપીઠને ચમત્કારથી ભરેલું માનવામાં આવે છે.એવી પણ કથા છે કે અનેક આતંકી હુમલાઓ થયા છતા અહીનું મંદિર અડીખમ રહ્યું છે.
શ્રીલંકા
શ્રીલંકામાં એક શક્તિપીઠ આવેલુ છે, જેને લંકા શક્તિપીઠના નાથી ઓળખવામાં આવે છે. આ શક્તિપીઠમાં વિરાજમાન દેવીને ઈન્દ્રાક્ષી દેવી અને બાબા ભેરવને રાક્ષેશ્વર કહેવાય છે. અહી માતા સતીની ઝાંઝરી પડી હોવાનું મનાય છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે દેવરાજ ઈન્દ્ર અને ભગવાન રામે આ શક્તિપીઠની પૂજા કરી હતી.
બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં માતાના ચાર શક્તિપીઠ છે, જે સુગંધા શક્તિપીઠ, કરતોયાઘાટ શક્તિપીઠ, ચટ્ટલ શક્તિપીઠ, ઉગ્રતારા શક્તિપીઠ અને યશોર શક્તિપીઠના નામથી પ્રસિદ્ધ છે.
ઉગ્રતારા શક્તિપીઠ
બાંગ્લાદેશમાં કુલ પાંચ શક્તિપીઠ છે. ઉગ્રતારા શક્તિપીઠ સુનંદા નદીના કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતા સતીનું નાક પડ્યુ હતુ. એવું કહેવાય છે કે અહીં માતા સતી શિવ ત્ર્યંબક સાથે દેવી સુગંધાના રૂપમાં નિવાસ કરે છે.
કરતોયાઘાટ શક્તિપીઠ
કરતોયાઘાટ શક્તિપીઠ બાંગ્લાદેશના ભવાનીપુરના બેગડામાં આવેલુ છે. અહીં માતા સતીના ડાબા પગની પાયલ પડી હતી. અહીં સ્થાપિત દેવીને અપર્ણાના રૂપમાં ઓળખવામાં આવે છે. ભૈરવ બાબાને શિવ વામનના નામથી ઓળખવામાં આવે છે.
ચટ્ટલ શક્તિપીઠ
આ શક્તિપીઠ બાંગ્લાદેશના ચટગામમાં આવેલી છે. આ સ્થાન પર દેવીનો ડાબો હાથ પડ્યો હતો. આ શક્તિપીઠમાં રહેલી દેવીને ભવાની અને ભૈરવનાથને ચંદ્રશેખરના નામથી ઓળખાય છે.
યશોર શક્તિપીઠ
આ શક્તિપીઠ બાંગ્લાદેશના જૈસોર ખુલના સ્થાનમાં સ્થાપિત છે. આ સ્થાન પર માતાની ડાબા હાથની હથેળી પડી હતી. અહીં સ્થાપિત માતાને યશોરેશ્વરી અને બાબા ભેરવને ચંદ્ર કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ ગુજરાત: નવરાત્રીમાં ગરબાના નકલી પાસ સામે આવતા આયોજકોએ અપનાવ્યો નવો રસ્તો