ચૂંટણીના બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ: જાણો ક્યાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં?
- લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે
નવી દિલ્હી, 5 એપ્રિલ: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા ગુરુવારે સમાપ્ત થઈ ચૂકી છે. ચૂંટણીના આ તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં ઘણી હાઈપ્રોફાઈલ બેઠકોનો પણ સમાવેશ થાય છે. આ બેઠકો પર ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ ઉત્તર પ્રદેશના મથુરાથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે મેરઠમાં સુનીતા વર્માએ ત્રીજી વખત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. મેરઠથી ભાજપે લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલને ટિકિટ આપી છે.
ચૂંટણીના આ બીજા તબક્કામાં આસામમાંથી 5, કર્ણાટકમાંથી 14, બિહારમાંથી 5, કેરળમાંથી 20, મહારાષ્ટ્રમાંથી 8, મણિપુરમાંથી 1, ત્રિપુરામાંથી 1, ઉત્તર પ્રદેશમાંથી 8, પશ્ચિમ બંગાળમાંથી 3, જમ્મુ-કાશ્મીરમાંથી 1, છત્તીસગઢમાંથી 3 , મધ્યપ્રદેશની 7 અને રાજસ્થાનની 13 બેઠકો પર મતદાન થશે.
ઉત્તર પ્રદેશની કઈ બેઠકો પર મતદાન?
બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો જેવી કે મેરઠ, બાગપત, અમરોહા, મથુરા, અલીગઢ, બુલંદશહર, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર માટે મતદાન થશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ બેઠક માટે બીજા રાઉન્ડમાં મતદાન થવાનું છે.
MPની કઈ બેઠકોનો બીજા તબક્કામાં સમાવેશ?
ઉમેદવારીપત્રોના અંતિમ દિવસે છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મધ્યપ્રદેશમાં કુલ 109 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો સબમિટ કર્યા છે. બીજા તબક્કામાં સાત સીટો જેવી કે ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બૈતુલ માટે મતદાન થશે.
રાજસ્થાન અને બિહારની કઈ-કઈ બેઠકો સામેલ?
રાજસ્થાનમાં બીજા તબક્કાની 13 બેઠકો માટે 219 ઉમેદવારી પત્રો ભરાયા છે. અહીં ટોંક-સવાઈમાધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલૌર-સિરોહી, ઉદયપુર, બાંસવાડા-ડુંગરપુર, રાજસમંદ, ભીલવાડા, ચિત્તોડગઢ, કોટા અને ઝાલાવાડ-બારણમાં મતદાન થશે. જ્યારે બિહારમાં પાંચ સીટો માટે 86 ઉમેદવારી પત્રો ભરાયા છે. અહીં કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને બાંકા સંસદીય મતવિસ્તારમાં મતદાન થશે.
રાજનાંદગાંવની હાઈપ્રોફાઈલ બેઠક માટે 23 નામાંકન ભરાયા
છત્તીસગઢમાં રાજનાંદગાંવની હાઈપ્રોફાઈલ બેઠક માટે એક દિવસ અગાઉ ઉતાવળમાં ઉમેદવારી પત્રો એકત્રિત કરનારા કથિત કોંગ્રેસ સમર્થિત લોકો ફોર્મ સબમિટ કરવા માટે છેલ્લી ઘડી સુધી પહોંચ્યા ન હતા. માત્ર 23 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજનાંદગાંવથી કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલે જ્યારે 384થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યની ઘણી બેઠકો પર કોંગ્રેસ મોટી સંખ્યામાં ડમી ઉમેદવારો ઉતારશે તેવી ધારણા હતી. બુધવારે રાજનાંદગાંવમાંથી પણ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ખરીદવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે માત્ર થોડા જ ઉમેદવારોએ તેમના નામાંકન રજૂ કર્યા હતા.
આ પણ જુઓ: ખેડૂતો માટે MSP અને મહિલાઓને 50 અનામત સહિત કોંગ્રેસનું “ગેરન્ટીપત્ર” જાહેર