ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

વોલસ્ટ્રીટમાં ઊછાળા પાછળ નિફ્ટી, સેન્સેક્સ ઊંચા ખુલવાની ધારણા

મુંબઇ, 23 એપ્રિલ, 2025: અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો થવાની આશાએ અમેરિકન શેરોમાં ઊછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક સેન્ટીમેન્ટ પાછળ આજે પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. આજે સવારે 7.30ની આસપાસ ગિફ્ટ નિફ્ટી 198 પોઇન્ટ ઉપર ચાલી રહ્યો હતો જે ઇક્વિટી માર્કેટમાં ગેપમાં ઉપર ખુલશે તેમ મનાય છે. ગઇકાલે નિફ્ટી 42 પોઇન્ટ વધીને 24,167ના મથાળે બંધ આવ્યો હતો. ગત 7 એપ્રિલે 21,743 સુધી બોટમઆઉટ થયા બાત ઇન્ડેક્સે 2,500 પોઇન્ટથી ઉપરની તેજી બતાવી છે.

એનાલિસ્ટોના અનુસાર નિફ્ટીનું તાજેતરનું સર્વોચ્ચ મથાળુ 24,242 ટૂંકા ગાળાની પ્રતિકાર સપાટી તરીકે કામ કરશે અને તેનાથી ઉપરની સપાટી તેજીને વેગ આપશે. નજીકની પ્રતિકાર સપાટી 24,250-24,300 હોવાનુ માનવામાં આવે છે. તેની ઉપર નવેસરની વેચવાલી અને મંદીવાળાઓને શોર્ટ કવરીંગ કરવા માટે પ્રેરશે. તેની સામે 23,900 અને 23,850 અગત્યનું સપોર્ટ લેવલ છે, જો તે તોડશે તો ઝડપથી ઘટીને 23,750ના સ્તરે આવી શકે છે.

દરમિયાનમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગઇકાલે રૂ. 1,290 કરોડની લેવાલી કરી હતી. એનાલિસ્ટો માને છે કે જ્યાં સુધી વ્યાપક ફંડામેન્ટલ્સ સુરક્ષિત અને કમાણી આશા પ્રમાણેની દેખાય છે ત્યાં સુધી એફઆઇઆઇનું રોકાણ સતત રહેશે.

ગઇકાલે ડાઉ જોન્સ 1016 કે 2.6 ટકા વધ્યો હતો, જ્યારે એસએન્ડપી 500 2.51 ટકા અને નાસડેક 2.71 ટકા વધ્યો હતો. જ્યારે આજે સવારે ખુલેલા બજારોમાં જાપાનનો નિક્કેઇ 225માં 1.8 ટકાની તેજી જોવા મળી હતી. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પે પણ 1 ટકા વધ્યો હતો અને ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી/ASX 200 1.7 ટકા ઉપર હતો.

આ પણ વાંચોઃ નાની સ્ટીલ કંપનીઓએ નોકરી-ઉત્પાદનમાં કપાતનો નિર્ણય ટાળ્યો

Back to top button