અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાણવા મળ્યુ છે કે માનવ તસ્કરી જેવો ગંભીર ગુનાનો ગુજરાત, મહારાષ્ટ્ર અને આધ્રપ્રદેશ સુધી ફેલાયો છે. 15 દિવસના બાળકના માનવ તસ્કરીના ગંભીર ગુનામાં મહારાષ્ટ્રના થાણેના વતની બિપીન ઉર્ફે બંટી વિલાસ બાબુરાવ શિરસાઠ અને મોનિકા લલિક પ્રકાશ શ્રોતી ને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘીકાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.વી.ચૌહાણએ બંને આરોપીઓને તા. 19મી જાન્યુઆરી સુધીના દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : જામનગર : ઈમરજન્સી ફ્લાઈટ લેન્ડિંગમાં આપત્તિજનક વસ્તુ ન મળી; સવારે 10 વાગ્યે ઉડાન ભરે એવી શક્યતા
શહેર ક્રાઇમબ્રાંચ તરફ્થી બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં સરકારી વકીલે કોર્ટને જણાવાયું હતું કે, આરોપી બિપીન ઉર્ફે બંટી વિલાસ બાબુરાવ શિરસાઠ અને મોનિકા લલિક પ્રકાશ શ્રોતીએ બંનેએ ભેગા મળી તા.8.1.2023ના રોજ ખેડબ્રહ્માથી રેશ્માભાઈ નામની વ્યકિત પાસેથી આશરે 15 દિવસના બાળકની ખરીદી કરી હતી. બાળકને ખરીદીને હિંમતનગરથી ભાડે ટેક્ષી કરીને મુંબઈ જતા શહેરના રીંગરોડ રણાસણ રેલ્વે ક્રોસિંગ પાસેથી પોલીસે તેમને ઝડપી લીધા હતા. આરોપીઓ દ્વારા હ્યુમન ટ્રાફ્કિીંગનો ગુનો આચર્યો હતો. આ બંને આરોપીઓની પૂછપરછના આધારે માનવ તસ્કરીના આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ ખેડબ્રહ્મામાં રેશ્માભાઈ પાસેથી ખરીદી કર્યો હતો અને આરોપીઓ નવજતા બાળકને ઉમા નામની મહિલાને વેચવાના હતા. નવજાત બાળકને વેચનાર અસલ માતા-પિતાની પણ માહિતી આરોપીઓને સાથે રાખી મેળવવાની છે. બાળકની ખરીદ-વેચાણ ખેડબ્રહ્મા મુકામે થઇ હતી અને તેમાં પૈસાની લેતી દેતીમાં પૈસા ટ્રાન્સફ્ર કરાવનાર વ્યકિતની ભૂમિકાની તપાસ કરવાની છે. આરોપીઓએ અત્યારસુધીમાં આ પ્રકારે કેટલા બાળકોનું બાળ તસ્કરી કરી વેચાણ કર્યું છે અને કોને કોને કેટલી કિંમતમાં બાળકો વેંચ્યા છે, તેની તપાસ હજુ ચાલુ છે. ઉપરાંત, માનવ તસ્કરીના આ સમગ્ર નેટવર્ક કયાં સુધી અને કેટલુ ફેલાયું છે, તેની તપાસ કરવામાં આવી છે. તેથી આરોપીઓના પૂરતા રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઇએ. ક્રાઇમ બ્રાંચની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
હિંમતનગરથી બે લાખમાં બાળકની ખરીદ્યી
મુંબઇમાં રહેતા બીપીન ઉર્ફે બંટી શિરસાઠ અને તેની પત્ની મોનિકા શિરસાઠે ગઇકાલે હિંમતનગર ખાતે આવીને એક વ્યકિત પાસેથી 15 દિવસનું નવજાત બાળક ખરીદીને તેને લઈને મુંબઇ જવા માટે નિકળ્યાની બાતમીના આધારે વોચ ગોઠવીને રણાસણ રેલ્વે ક્રોસિંગ પાસેથી દંપતિને નવજાત બાળક સાથે મળી આવ્યા હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચે દંપતિની ધરપકડ કરીને પૂછપરછ કરતા બંન્નેએ સ્વીકાર્યું છે કે, તેઓએ હિંમતનગરથી રેશ્મા રાઠોડ નામની વ્યકિત પાસેથી રૂ.2.10 લાખમાં બાળક ખરિદ્યુ હતુ. બાદમાં આ બાળકને તેઓ હૈદરાબાદ ખાતે ઉમા બોમ્માડા નામની મહિલા એજન્ટને રૂ.4.50 લાખમાં વેંચવાના હતા.
મુખ્ય એજન્ટને શોધવા ટીમ હૈદરાબાદ જશે
બાળક તસ્કરીનું એપી સેન્ટર હૈદરાબાદ હોવાનું સ્પષ્ટ થયુ છે. મુંબઇના દંપતિ એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા બાદ હૈદરાબાદમાં મુખ્ય એજન્ટ ઉમા બોમ્માડાને બાળક વેચવાનું હોવાની માહિતી સામે આવી છે. જેથી મુખ્ય એજન્ટ ઉમાને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હૈદરાબાદ રવાના થઇ હોવાનું અધિકારીએ જણાવ્યુ હતુ.
રાજ્યમાં 1 વર્ષમાં બાળ તસ્કરીની બે ઘટના
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી નવજાત બાળકને કૃણાલ નામના શખ્સે ચંદ્રકાન્ત અને દ્રોપદીને રૂ. 5 હજાર આપીને વિજયવાડા પહોંચાડવાનું કહ્યુ હતુ. જેથી ચંદ્રકાન્ત અને દ્રોપદી નવજીવન એક્સપ્રેસમાં જનરલ ટિકિટ લઇને નવજાત બાળકને વિજયવાડા પહોંચાડવા માટે નિકળ્યા હતા. તે પહેલા નાગપુરના વર્ધા પોલીસે બન્નેને નવજાત બાળક સાથે ઝડપી પાડીને તપાસ કરતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. જેથી વર્ધા પોલીસે સમગ્ર મામલે કાલુપુર પોલીસને જાણ કરી હતી. આ અંગે કાલુપુર પોલીસે બાળક આપનાર કૃણાલ, ચંદ્રકાન્ત અને દ્રોપદી વિરૂદ્ધ માનવ તસ્કરીની ફરિયાદ નોંધી હતી.
ગોમતીપુરના ફુવારા સર્કલ પાસે ગત, 17 ફેબ્રુઆરી 2022ની રાત્રે એક શ્રમિક દંપતિના બાળકીનું અપહરણ થયુ હતું. પોલીસે તપાસ કરતા અપહરણ નહીં પરંતુ બાળ તસ્કરીની ઘટના સામે આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપી રમ્યા ગુરરમ, ઊર્મિલા પરમાર , વર્ષા ખસિયા , કિંજલ સાધુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર અને અંજુમ એસ્લાવય ધરપકડ કરી હતી. આ ટોળકીએ હૈદરાબાદ ખાતે બાળકીને 2 લાખમાં વેચવાનું નક્કી કરી દીધું હતું.
બિપીને અનેક બાળકોને મુંબઇ-હૈદરાબાદ વેચ્યા
મુંબઇના બિપીન શિરસાઠ વિરૂદ્ધ ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્રના માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીનો ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બિપીને અગાઉ અનેક બાળકોને મુંબઇ તેમજ હૈદરાબાદ ખાતે વેચ્યા હોવાની વિગત સામે આવી છે. જે વિગત મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.