રશિયા યુદ્ધમાં ફસાયા નેપાળના 4 નાગરિકો, ભારતને લગાવી મદદની ગુહાર
મૉસ્કો (રશિયા), 11 માર્ચ: ચાર નેપાળી નાગરિકોએ ભારત સરકાર પાસે રશિયાની ચુંગાલમાંથી મુક્ત કરવાની આજીજી કરી છે. તેમણે વીડિયો શેર કરીને કહ્યું કે, તેમને સૈન્ય સહાયક તરીકે કામ કરવા માટે મોકલ્યા હતા, પરંતુ તેમને છેતરીને યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં લડવા માટે ઊભા કરી દીધા છે. આ માટે તેમણે ભારત પાસેથી મદદની ગુહાર લગાવી છે. વીડિયોમાં આ ચારેય યુવકો નાનકડી ઝૂંપડીમાં કડકડતી ઠંડીમાં મદદની આશાએ બેઠા છે. તેમાંથી એક યુવક ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યો છે.
ચારેયની ઓળખ સંજય, રામ, કુમાર અને સંતોષ તરીકે થઈ છે. નેપાળી યુવક કહે છે કે, અમને રશિયાની સેનામાં તૈનાત કરાયા છે, અને અમે નેપાળથી આવ્યા છે. એજન્ટે અમને ખોટું કહીને રશિયા મોકલ્યા છે. અને હવે અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, અમારે સહાયકની જેમ કામ કરવાનું છે.
અમને નેપાળ પાસેથી કોઈ મદદ નથી મળી રહી: યુવકો
નેપાળી લોકોએ કહ્યું કે નેપાળ પાસેથી અમને કોઈ મદદ નથી મળી રહી પરંતુ તમારો દેશ અને તમારી એમ્બેસી ખૂબ જ શક્તિશાળી છે. અમે બધા નેપાળી ભાઈઓ પાછા જવા માંગીએ છીએ કારણ કે અમારી સાથે અહીં છેતરપિંડી થઈ છે. અમે 30 લોકો હતા, પરંતુ હવે અમારામાંથી માત્ર ચાર જ બચ્યાં છે. કેટલાક લોકોને અલગ-અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા છે, તેમાંથી તો કેટલાકને ભારે ઈજા પહોંચી છે. અમને મદદ કરો અને અમને અહીંથી બહાર કાઢો. ઉલ્લેખનીય છે કે, આવા કિસ્સા માત્ર નેપાળ જોડે જ નહીં પરંતુ ભારતના નાગરિકો જોડે પણ બન્યા હતા.
ભારતીય યુવાનોને પણ યુદ્ધમાં સામેલ કરાયા
આ પહેલા ભારતીય યુવાનો સાથે વિશ્વાસઘાત કરીને રશિયા-યુક્રેન યુદ્ધમાં બળજબરીથી ધકેલવામાં આવ્યા છે. ટુરિસ્ટ વિઝા પર ભારતથી રશિયા ગયેલા યુવાનોને છેતરીને સૈન્યમાં બળજબરીથી ભરતી કરવામાં આવ્યા હતા. રશિયા ગયેલા ઘણા યુવાનોને 15 દિવસની તાલીમ લીધા બાદ યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલવામાં આવ્યા હતા. કેટલાક ભારતીય યુવાનોએ રશિયાની આર્મી યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.