નેપાળે ભારત સાથેના વિવાદીત વિસ્તારોને 100ની નવી નૉટના નકશામાં કર્યા સામેલ
- ભારત-નેપાળ લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીએ વિવાદિત વિસ્તારો રહેલા છે
કાઠમંડુ, 4 મે: નેપાળે શુક્રવારે નકશા સાથે રૂ. 100ની નવી નોટ છાપવાની જાહેરાત કરી હતી જેનાથી વિવાદ ઉભો થવાની સંભાવના છે. હકીકતમાં નેપાળ સરકારે 100 રૂપિયાની નવી નોટ છાપવાની મંજૂરી આપી છે જેમાં નકશામાં વિવાદિત સ્થળો લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવશે. ભારતે પહેલાથી જ આ વિસ્તારોને કૃત્રિમ રીતે વિસ્તરેલ ગણાવ્યું છે. કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા નેપાળ સરકારના પ્રવક્તા રેખા શર્માએ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠકમાં 100 રૂપિયાની નોટમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની બતાવવામાં આવશે.’
નેપાળમાં આ વિસ્તારો એક મોટો મુદ્દો બની ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, નેપાળ આ ત્રણેય વિસ્તારોને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરીને સમયાંતરે આ મુદ્દો ઉઠાવતું રહ્યું છે. અગાઉ પણ નેપાળના પૂર્વ પ્રમુખ વિદ્યા દેવી ભંડારીએ કહ્યું હતું કે, કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળના અભિન્ન અંગ છે અને આ અંગે ભારત સાથે જે પણ વિવાદ છે તેનો રાજદ્વારી રીતે ઉકેલ લાવવો જોઈએ. કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા પણ નેપાળમાં ચૂંટણીના મુદ્દા રહ્યા છે અને ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવે છે, તો તેઓ વાટાઘાટો દ્વારા કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ વિસ્તારોને ‘પાછા’ લઈ લેશે.
ભારતની પહેલેથી જ આકરી પ્રતિક્રિયા
તે જ સમયે, જ્યારે નેપાળના નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને તેના ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યા ત્યારે ભારત તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. આ ત્રણેય સ્થળો પરંપરાગત રીતે ભારત-નેપાળ સરહદ પર ઉત્તરાખંડમાં સ્થિત છે. લગભગ 3 વર્ષ પહેલા નેપાળની સંસદના નીચલા ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવેલા નેપાળના નવા રાજકીય નકશામાં આ વિસ્તારોને તેના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવતાં ભારત તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. એક ભારતીય અધિકારીએ કહ્યું હતું કે, સ્થાનિક જમીન રેકોર્ડ પણ દર્શાવે છે કે કાલાપાની અને લિપુલેખની જમીન ભારત-નેપાળ સરહદની ભારતીય બાજુએ આવેલા બે ગામોના રહેવાસીઓની છે.
આ પણ જુઓ: ઉત્તરાખંડના જંગલોમાં આગ લગાડનારા અત્યાર સુધીમાં 10 આરોપીઓ ઝડપાયા