“NEET પરીક્ષા પાસ નહીં થાય…” પરીક્ષાના બે કલાક પહેલા જ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
નાલંદા, 5 મે: બિહારના નાલંદા જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. રવિવારે જિલ્લાના અસ્થાવન પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠમંડુ ટોલામાં NEETની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પરીક્ષાના બે કલાક પહેલા આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. મૃતકનું નામ પ્રિયાંશુ કુમાર છે જે 20 વર્ષનો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે NEETની તૈયારી કરી રહ્યો હતો અને આજે જ પરીક્ષા હતી.
દરવાજો અંદરથી બંધ હતો
પરિવારજનોએ જણાવ્યું કે પ્રિયાંશુએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ રાખ્યો હતો. તેમણે કહ્યું કે અમે દરવાજો ખોલવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ પ્રિયાંશુંએ દરવાજો ન ખોલતાં અમે દરવાજો તોડીને અંદર જઈને જોયું તો તે પંખાથી લટકતો હતો.
રુમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી
મૃતકના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. મળી આવેલી સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘તે NEETની પરીક્ષા પાસ નથી કરી શકતો તેથી આત્મહત્યા કરી રહ્યો છે.’ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
તાજેતરમાં કોટામાંથી પણ આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો
તાજેતરમાં, કોચિંગ સિટી કોટા કોચિંગમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીની આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મૃતક વિદ્યાર્થી ભરતરાજ ધોલપુરનો રહેવાસી હતો, જે કોટામાં રહીને NEETની તૈયારી કરી રહ્યો હતો. તે કોટાના તલવંડી વિસ્તારમાં એક હોસ્ટેલમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. વિદ્યાર્થીના રૂમની તલાશી દરમિયાન પોલીસને તેના રજિસ્ટરમાં લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં લખ્યું હતું, “માફ કરશો પપ્પા, હું આ કરી શકીશ નહીં.”
આ પણ વાંચો: 1.09 કરોડ નોકરીઓની ઑફર સામે સરકારી પોર્ટલ ઉપર 87.27 લાખ અરજી આવી