એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગનેશનલ

NEET વિવાદઃ ગુજરાત સહિત વિવિધ રાજ્યોની રાજધાનીમાં કોંગ્રેસના દેખાવો

  • NEET પેપર લીક મામલે કોંગ્રેસ આજે દેશભરમાં પાર્ટી હેડક્વાર્ટર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. લખનૌમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી

અમદાવાદ, 21 જૂન: કોંગ્રેસ આજે NEET વિવાદને લઈને ગુજરાત સહિત તમામ રાજ્યોના મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો દિલ્હીથી લખનૌ અને જયપુરથી જમ્મુ સુધી રસ્તા પર ઉતરી આવ્યા છે. કાર્યકરો કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. લખનઉમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ બેરિકેડ ઓળંગીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરો સાથે ઝપાઝપી પણ કરી હતી.

લખનૌમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસીઓએ પણ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયના નેતૃત્વમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ પાર્ટીના મુખ્યાલયથી વિધાનસભા ભવનનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે અજય રાય અને કોંગ્રેસના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. અજય રાયે કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓની સાથે છે. અમે તેમના અધિકારો માટેની લડાઈ રસ્તાઓ પર લડીશું અને તેમને ન્યાય અપાવીશું.’

 

તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘પરીક્ષામાં ટેકનિકલ ગેરરીતિઓ થઈ અને અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને હરિયાણામાં NEET પરીક્ષામાં ગેરરીતિ કરનારા અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર પરીક્ષા આશંકાથી ઘેરાયેલી છે. દરરોજ પેપર લીક થવાના બનાવો બની રહ્યા છે. જ્યાં ભાજપ સત્તામાં છે ત્યાં ઘટનાઓ બની રહી છે.’

દિલ્હીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિવેન્દ્ર યાદવના નેતૃત્વમાં રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રદર્શન કર્યું છે. પાર્ટીના કાર્યકરો NEET પરીક્ષા રદ કરવા અને તેને ફરીથી યોજવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ પણ ભાજપ કાર્યાલય તરફ કૂચ કરી હતી પરંતુ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની અટકાયત કરવામાં આવી હતી.

 

ગઈકાલે શિક્ષણ મંત્રીના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું પ્રદર્શન

આ પહેલા ગઈકાલે પણ ભારતીય યુથ કોંગ્રેસે NEET પરીક્ષાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બી.વી.એ કહ્યું કે NEET પરીક્ષામાં કૌભાંડ માત્ર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી નથી પરંતુ દેશના ભવિષ્ય સાથે પણ વિશ્વાસઘાત થયો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ‘NEETનું પેપર લીક થયું હોવા છતાં ધર્મેન્દ્ર પ્રધાને દેશને ગેરમાર્ગે દોર્યો હતો અને કહ્યું હતું કે, ‘NEETનું પેપર લીક નથી થયું’. શ્રીનિવાસ બી.વી.એ વધુમાં કહ્યું કે, ‘શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ અને તેમની પૂછપરછ પણ થવી જોઈએ.’

ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ મોહમ્મદ શાહિદે કહ્યું કે, ‘NTA શંકાના દાયરામાં છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરોએ પણ UGC-NET પરીક્ષા રદ કરવાના વિરોધમાં અહીં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIનું કહેવું છે કે, ‘વિરોધ દરમિયાન તેના સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.’

આ પણ વાંચો: ગુજરાતની 10 સહિત 157 યુનિવર્સિટીઓને UGCએ ડિફોલ્ટર જાહેર કરી, જાણો કારણ

Back to top button