અમદાવાદએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગ

NEET કૌભાંડ વિરૂધ્ધ કોંગ્રેસ કરશે આંદોલન, 24 લાખ વિદ્યાર્થીઓને ન્યાય આપવા પક્ષ મેદાને

અમદાવાદ, ૨૦ જૂન, આવતી કાલે ૨૧ જૂનના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. ના નેતૃત્વમાં અમદાવાદ ખાતે NEET કૌભાંડ વિરૂધ્ધ આંદોલન કરશે. જેની જાહેરાત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પત્રકાર પરિષદને સંબોધન કરતા કરી છે. અને NEET પરીક્ષાના કૌભાંડને લઈને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. કેવા પ્રકારનો વિરોધ છે? કેવા પ્રકારના આક્ષેપ છે? તથા કોંગ્રેસની શું માંગણી છે? જાણીએ વિગતવાર…

ભાજપ શાસીત રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ: કોંગ્રેસ
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કેન્દ્રની ભાજપ સરકારને NEETની પરીક્ષામાં ગેરરીતિ તથા પેપરલીકના મુદ્દે ગંભીર સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે NEETની પરીક્ષા આપનાર 24 લાખ વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય થઈ ગયું હોય ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓ માટેનું પોતાનું સ્ટેન્ડ જાહેર કરે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશન થયું એ દિવસથી જ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રહી છે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશનથી લઈ પરીક્ષાના પરિણામ સુધી ઘણા શંકાસ્પદ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે. NEETની પરીક્ષામાં ભાજપ શાસીત રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ સામે આવી છે. NEET પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખમાં ખાસ કિસ્સામાં રજીસ્ટ્રેશન વીન્ડો ખોલવામાં આવી ત્યારબાદ પરિણામની તારીખ જે નક્કી કરવામાં આવી તે પણ દેશમાં થનાર ચૂંટણીના પરિણામના દિવસે જ નક્કી કરવામાં આવી હતી, તે પણ શંકાના દાયરામાં હતી. NTA ગ્રેસીંગ માર્કસના નામે ગુમરાહ કરી બિહારના પટનામાં 17 લોકોની ધરપકડના વિષયમાં કેમ ચુપ છે ? શું આ 17 લોકોની ધરપકડ NEETની પરીક્ષાના પેપર લીંક મુદ્દે થઈ છે ? સરકાર સ્પષ્ટતા કરે. અને જો પેપર લીંક થયું હોય તો તાત્કાલીક પરિણામને રદ કરી ફરીથી પરીક્ષા લેવામાં આવે જેથી નિર્દોષ અને હોનહાર વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે. NTA દ્વારા ગ્રેસ માર્કસ અપાયા ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે NEETના બ્રોસર અને સરકારી સુચનાઓમાં ગ્રેસ માર્કસની કોઈ જોગવાઈ નથી તો ક્યાં આધારે ગ્રેસમાર્કસ આપવામાં આવ્યાં? શું કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેર નોટીસ કે જાહેરાત આપવામાં આવી હતી ?

મુન્નાભાઇ MBBS જેવા ડોક્ટરો જોવા મળશે
કાર્યકારી પ્રમુખે સવાલો ઉઠાવતા કહ્યું ગુજરાત રાજ્યમાં અનેકવાર સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીંક અને પેપરની ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યાં છે. NEET ની પરીક્ષામાં પણ ક્યાંકને ક્યાંક કૌભાંડના તાર ગુજરાતમાં મળે છે. ગુજરાતના ગોધરા ખાતે એક શાળામાં NEETની પરીક્ષાનું કૌભાંડ પકડાયું, તે કેટલા સમયથી ચાલી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ. માલેતુજારના છોકરાઓને ડોક્ટર બનાવવાના કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કેમ મૌન છે ? ગુજરાતમાં ગોધરા સહિતની શાળા અને કોચીંગ ઈન્સ્ટીટ્યુટ સહિત મુદ્દે બીજા ક્યાં ક્યાં મોટા માથાઓ સંકળાયેલા છે તેની તપાસ થવી જોઈએ. બીજી કઈ શાળાઓમાં ગોઠવણ-ગેરરીતિ ચાલતી હતી તેની પણ તપાસ થવી જોઈએ. આજ પ્રકારે NEET જેવી પરીક્ષાઓમાં કૌભાંડ કરીને ડોક્ટર બનાવાશે તો મુન્નાભાઈ એમ.બી.બી.એસ જેવા ડોક્ટરો જોવા મળે તો નવાઈ નહીં. પરીક્ષા પે ચર્ચા, ચાય પે ચર્ચા, મન કી બાત કરનારા દેશના પ્રધાનમંત્રી NEETના કૌભાંડ ઉપર ક્યાંરે ચર્ચા કરશે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સવાલ કરે છે.

NEET કૌભાંડ વિરૂધ્ધ કોંગ્રેસ કરશે આંદોલન
ગુજરાત કોંગ્રેસે જાહેરાત કરતા કહ્યું કે, NEETની પરીક્ષાના કૌભાંડમાં રાષ્ટ્રીય વ્યાપી આંદોલન કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતી કાલે તા. 21-6-2024 ના રોજ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. (NSUI) ના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે NEET પરીક્ષાના કૌભાંડ વિરૂધ્ધ કાર્યક્રમ આપવામાં આવશે.

આ પણ વાંચો..અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે M.A કોર્સ થયો બંધ, NSUIએ કર્યો ઉગ્ર વિરોધ

Back to top button