ભાજપ નેતા નવનીત રાણાના નિવેદને જગાવ્યું રાજકીય તોફાન, જાણો સમગ્ર મામલો
- ચોથા તબક્કાના મતદાન પહેલા રાજકીય લડાઈ ફરી એકવાર હેટ સ્પીચના સ્તરે પહોંચી ગઈ
નવી દિલ્હી, 9 મે: હાલના દિવસોમાં દેશભરમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. ચોથા તબક્કાના મતદાન પહેલા રાજકીય લડાઈ ફરી એકવાર હેટ સ્પીચના સ્તરે પહોંચી ગઈ છે. ભાજપના નેતા અને અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાના નિવેદનથી રાજકીય હલચલ વધુ તેજ બની છે. થોડા વર્ષો પહેલાં, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, જો પોલીસ 15 મિનિટ માટે ખસી જશે તો અમે તમને (હિન્દુઓને) બતાવી દઇશું. તેના જવાબમાં હવે ભાજપના નેતા નવનીત રાણાએ તેમના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.
ઓવૈસીના 15 મિનિટના નિવેદન પર 15 સેકન્ડનો જવાબ
હૈદરાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે બીજેપી નેતા નવનીત રાણાએ અકબરુદ્દીન ઓવૈસીના 15 મિનિટના નિવેદનની સામે 15 સેકન્ડનો પડકાર આપ્યો છે. નવનીત રાણાએ કહ્યું છે કે, જો પોલીસને માત્ર 15 સેકન્ડ માટે હટાવી દેવામાં આવે તો નાના(નાનો ભાઈ) અને મોટા(મોટો ભાઈ)ને ખબર જ નહીં પડે કે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા? થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયેલાં મહારાષ્ટ્રના આ મહિલા નેતા નવનીત રાણાના આ નિવેદને રાજકીય તોફાન જગાવી દીધું છે.
15 મિનિટ શું 15 દિવસ લઈ લો: અસદુદ્દીન ઓવૈસી
હવે અસદુદ્દીન ઓવૈસીએ નવનીત રાણાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, 15 સેકન્ડ શું 15 કલાક લઈ લો… કોણ ડરે છે, અમે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, “પીએમ મોદીને કહીને 15 દિવસનો લઈ લો.”
બંને ભાઈઓ ક્યાં ગયા તે તેમને ક્યારેય ખબર પડશે નહીં: નવનીત રાણા
હકીકતમાં ભાજપના ઉમેદવાર નવનીત રાણાએ કહ્યું હતું કે, “નાનો ભાઈ કહે છે, જો તમે 15 મિનિટ માટે પોલીસને હટાવો, તો અમે કરી બતાવીશું કે અમે શું કરી શકીએ છીએ. હું નાના ભાઈને કહેવા માંગુ છું કે, તમને 15 મિનિટ લાગશે છોટે, અમને ફક્ત 15 સેકન્ડ જ લાગશે. 15 સેકન્ડ માટે પોલીસને હટાવી દેવામાં આવે તો નાના-મોટા લોકોને ખબર નહીં પડે કે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા.”
અકબરુદ્દીન ઓવૈસીનું નફરતભર્યું ભાષણ
ઉલ્લેખનીય છે કે, AIMIM ચીફના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ વર્ષ 2013માં આપેલા નફરતભર્યા ભાષણમાં કહ્યું હતું કે, જો 15 મિનિટ માટે પોલીસને હટાવી લેવામાં આવશે તો અમે 25 કરોડ (મુસ્લિમો) મળીને 100 કરોડ હિન્દુઓનો નાશ કરીશું. હવે હૈદરાબાદમાં બીજેપી નેતા નવનીત રાણાએ આપેલા નિવેદનને ઓવૈસીના ભાષણ પર તેમનો જવાબ માનવામાં આવી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, નવનીત રાણા બીજેપી ઉમેદવાર માધવી લતાના પ્રચાર માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઓવૈસી ભાઈઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે અકબરુદ્દીન ઓવૈસીના જૂના ભાષણ પર બદલો લીધો છે.
ભાજપના નેતા નવનીત રાણાનો પલટવાર
કોમ્પેલા માધવી લતા હૈદરાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તે તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે અને પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. તાજેતરમાં, તેમનો કાલ્પનિક તીર મારતો એક વીડિયો વાયરલ થયા બાદ તેઓ વિવાદમાં ફસાઈ ગયા હતા. તેમના પર મસ્જિદની સામે તીર છોડવાનો આરોપ લાગ્યો હતો. હવે બીજેપી નેતા નવનીત રાણા તેમના માટે પ્રચાર કરવા હૈદરાબાદ પહોંચ્યા છે, જે દરમિયાન તેમણે પોલીસને હટાવવા અંગેના અકબરુદ્દીન ઓવૈસીના જૂના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતી.
નવનીત રાણા વિશે મહત્વની માહિતી
નવનીત રાણાએ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ છે. તેઓ ફરી એકવાર અમરાવતીથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમને ગુજરાતમાં સ્ટાર પ્રચારક પણ બનાવ્યા છે. તેમણે 5 મેના રોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, જે લોકો જય શ્રી રામ નથી બોલવા માંગતા તેઓ પાકિસ્તાન જઈ શકે છે, જો ભારતમાં રહેવું હોય તો તેમને જય શ્રી રામ બોલવું પડશે. તેઓએ 2019ની લોકસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી અને જીત મેળવી હતી. તેમણે શિવસેનાના ઉમેદવારને લગભગ 33 હજાર મતોથી હરાવ્યા હતા.
આ પણ જુઓ: દેશમાં હિન્દુઓ 8% ઘટ્યા, લઘુમતીઓની સંખ્યામાં વધારો: સમિતિએ બીજા કયાં તારણ આપ્યાં?