ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સાંસદ નવનીત રાણાને SCમાંથી રાહત: જાતિ પ્રમાણપત્ર માન્ય રાખ્યું, HCનો નિર્ણય પલટ્યો 

Text To Speech
  • નવનીત રાણા આ વખતે ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે

નવી દિલ્હી, 4 એપ્રિલ: મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાના જાતિ પ્રમાણપત્ર મામલે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને પલટીને નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર માન્ય રાખ્યું હતું. બોમ્બે હાઈકોર્ટે નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર રદ્દ કર્યું હતું અને તેમના પર દંડ પણ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી લડવા પર સંકટના વાદળો ઘેરાયાં હતાં. જેથી નવનીત રાણાએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સાંસદ નવનીત રાણાની અરજી સ્વીકારતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવનીત રાણા આ વખતે ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

 

નવનીત રાણાની અરજી પર સુનાવણી કરીને જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ સંજય કરોલની બેંચે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે સાંસદનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો છે. સ્વતંત્ર સાંસદ મહારાષ્ટ્રના અમરાવતી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જે અનુસૂચિત જાતિ માટે અનામત છે.

બોમ્બે હાઈકોર્ટનો શું હતો નિર્ણય?

બોમ્બે હાઈકોર્ટે 8 જૂન, 2021ના રોજ કહ્યું હતું કે, નવનીત રાણાએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરીને મોચી જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, રેકોર્ડ દર્શાવે છે કે તે શીખ-ચમાર જાતિની હતી. જેથી હાઈકોર્ટે તેના પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને રદ્દ કરી દીધો છે. આ વખતે ભાજપ તરફથી નવનીત રાણા ઉમેદવાર છે.

સાંસદના લોકસભાની ચૂંટણી લડવાના અવરોધો દૂર થયા

બોમ્બે હાઈકોર્ટ દ્વારા નવનીત રાણાનું જાતિગત પ્રમાણપત્ર ફગાવવાની સાથે જ ભાજપનો માથાનો દુખાવો પણ વધી ગયો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં ખૂબ જ કડક ટિપ્પણી કરી હતી. જે બાદ નવનીત રાણાએ હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

આ પણ જુઓ: રાહુલ ગાંધી કેટલું કમાય છે? ક્યાં-ક્યાં મૂડીરોકાણ કર્યું છે?

Back to top button