આખા દેશમાં કર્ફ્યુ, રસ્તાઓ પર સેના, 50થી વધુના મૃત્યુ અને 2500 ઘાયલ: બાંગ્લાદેશમાં હિંસા!
- લાકડીઓ, સળિયા અને પથ્થરો સાથે રસ્તાઓ પર ફરતા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગ ચાંપી રહ્યા છે
નવી દિલ્હી, 20 જુલાઇ: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. થોડા અઠવાડિયા પહેલા દેશભરમાં શરૂ થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 105થી વધુ લોકો માર્યા ગયા છે. વડાપ્રધાન શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારે ચિંતાજનક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ અને સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. લાકડીઓ, સળિયા અને પથ્થરો સાથે રસ્તાઓ પર ફરતા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગ ચાંપી રહ્યા છે. પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 2500થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. દેશમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ભારતે આ હિંસક વિરોધને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો
બાંગ્લાદેશમાં આ વિદ્યાર્થીઑની આગેવાની હેઠળનો વિરોધ મુખ્યત્વે શેખ હસીનાની આગેવાનીવાળી સરકારની જોબ ક્વોટા સિસ્ટમ સામે છે. આ સિસ્ટમ અમુક ગ્રુપ માટે સરકારી નોકરીઓનો નોંધપાત્ર હિસ્સો અનામત રાખે છે. ભારતે આ હિંસક વિરોધને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પાડોશી દેશમાં રહેતા 15,000 ભારતીયો સુરક્ષિત છે, જેમાંથી લગભગ 8,500 વિદ્યાર્થીઓ છે. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલય સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન દેશમાં પાછા ફરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી બાંગ્લાદેશથી 125 વિદ્યાર્થીઓ સહિત 245 ભારતીયો પરત ફર્યા છે.
ભારતીય હાઈ કમિશને 13 નેપાળી વિદ્યાર્થીઓને પણ પરત લાવવામાં મદદ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘જેમ તમે જાણો છો, બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અમે આને દેશનો આંતરિક મામલો ગણીએ છીએ. ભારતીયોની સુરક્ષાના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ જયશંકર પોતે આ મામલાની નજીકથી નજર રાખી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત બેનાપોલ-પેટ્રાપોલ; ગેડે-દર્શાના અને ત્રિપુરામાં અખૌરા-અગરતલા ક્રોસિંગ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોના પરત ફરવા માટે ખુલ્લા રહેશે. ભારતીય હાઈ કમિશન BSF અને ઈમિગ્રેશન બ્યુરો સાથે સંકલન કરીને બાંગ્લાદેશથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની સુવિધા આપી રહ્યું છે.
આ અઠવાડિયમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ
બાંગ્લાદેશમાં આ અઠવાડિયે પરિસ્થિતિ વધુ વણસી ગઈ, કારણ કે નોકરીના આરક્ષણને સમાપ્ત કરવાની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો, સત્તાવાળાઓને બસ અને ટ્રેન સેવાઓ બંધ કરવાની ફરજ પડી. સમગ્ર દેશમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરવી પડી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની દલીલ છે કે, આ ક્વોટા પ્રણાલી ભેદભાવપૂર્ણ છે અને મેરીટોરીયસ ઉમેદવારોને સરકારી પદો મેળવવાથી અટકાવે છે.