ટ્રેન્ડિંગબિઝનેસ

Amazon-Flipkart-JioMartને મોટો ઝટકો, હર્બિસાઇડ વેચવા બદલ લાખોનો દંડ

Ecommerce Penalty : ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ Amazon, Flipkart અને JioMart સામે કાર્યવાહી કરી છે. ત્રણેય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જરૂરી માહિતી અને નિયમોનું પાલન કર્યા વિના એક કૃષિ-રાસાયણિક ઉત્પાદન વેચવા તેમજ તેની જાહેરાત કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

CCPAના આદેશ પ્રમાણે Amazon અને Flipkart પર 10-10 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. જ્યારે JioMart પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી ‘સાયક્લોસિનોન હર્બિસાઇડ’ નામના પ્રોડક્ટના ઓનલાઈન વેચાણ અને તેના પ્રમોશનને લઈને કરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

CCPAની તપાસમાં સામે આવ્યું કે ત્રણેય પ્લેટફોર્મ પર સાયક્લોસિનોન હર્બિસાઇડની ઓનલાઈન લિસ્ટિંગ ઉપલબ્ધ હતી. જોકે, પ્રોડક્ટમાં રહેલા સક્રિય રાસાયણિક તત્વ તેમજ તેના અન્ય ઘટકો વિશે જરૂરી વિગતો સ્પષ્ટ રીતે આપવામાં આવી નહોતી. આ મામલે કૃષિ મંત્રાલય પાસેથી પણ માહિતી લેવામાં આવી હતી. મંત્રાલયે CCPAને જણાવ્યું હતું કે ‘સાયક્લોસિનોન’ નામનું રાસાયણિક પદાર્થ Insecticides Act, 1968ની Scheduleમાં સામેલ નથી. આથી આવા પ્રોડક્ટનું વેચાણ અને માર્કેટિંગ કયા નિયમો હેઠળ થઈ રહ્યું હતું તે અંગે સવાલો ઊભા થયા હતા.

ત્રણેય કંપનીઓને કેટલો દંડ?

Amazon – 10 લાખ રૂપિયા

Flipkart – 10 લાખ રૂપિયા

JioMart – 5 લાખ રૂપિયા

CCPAના રેકોર્ડ પ્રમાણે Amazon સામે 16 સપ્ટેમ્બર 2026ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ Flipkart અને JioMart સામે 22 સપ્ટેમ્બર 2026ના રોજ કાર્યવાહીનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

ફરિયાદ ક્યાંથી આવી?

આ સમગ્ર મામલાની શરૂઆત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને મળેલી ફરિયાદથી થઈ હતી. આ ફરિયાદ Crop Care Federation of India તરફથી કરવામાં આવી હોવાનું CCPAના આદેશમાં જણાવાયું છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે જંતુનાશક અને નીંદણનાશક જેવા કૃષિ-રાસાયણિક ઉત્પાદનોનું વેચાણ અને તેનો ઉપયોગ કરતી વખતે ચોક્કસ કાયદાકીય નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોડક્ટની લિસ્ટિંગમાં જરૂરી વિગતો ન હોવાથી ગ્રાહકોને ઉત્પાદન વિશે સંપૂર્ણ માહિતી મળતી નહોતી.

Amazon પર 43 હજારથી વધુ યુનિટ વેચાઈ

CCPAના આદેશમાં Amazon પર સાયક્લોસિનોન હર્બિસાઇડના વેચાણને લઈને મહત્વની વિગતો આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં 38,410 ઓર્ડર થયા હતા, જ્યારે કુલ 43,634 યુનિટનું વેચાણ થયું હતું. આ તમામ વેચાણની કુલ કિંમત 96.42 લાખ રૂપિયા હોવાનું CCPAના રેકોર્ડમાં જણાવવામાં આવ્યું છે. આ આંકડાને ધ્યાનમાં રાખીને મામલાની ગંભીરતા પણ સામે આવે છે.

હવે ત્રણેય પ્લેટફોર્મે શું કરવું પડશે?

CCPAએ Amazon, Flipkart અને JioMartને સાયક્લોસિનોન હર્બિસાઇડનું વેચાણ તેમજ તેની જાહેરાત તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે ત્રણેય કંપનીઓને પોતાના પ્લેટફોર્મનું Self-Audit કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન એવા ઉત્પાદનોની ઓળખ કરવાની રહેશે જે લાગુ પડતા કાયદા અને નિયમોનું પાલન કરતા ન હોય અથવા ગ્રાહકોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કંપનીઓએ આદેશ મળ્યાના 15 દિવસની અંદર Self-Auditનો રિપોર્ટ CCPA સમક્ષ રજૂ કરવાનો રહેશે. આ કાર્યવાહી બાદ ઓનલાઈન પ્લેટફોર્મ પર કૃષિ-રાસાયણિક ઉત્પાદનોના વેચાણ અને તેમની લિસ્ટિંગ અંગેના નિયમોના પાલન પર વધુ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : સાઈ પલ્લવીની રોયલ સાડીએ ખેંચ્યું ધ્યાન, ‘રામાયણ’ના પ્રમોશનમાં દેખાયો શાહી અંદાજ

Back to top button