નડિયાદઃ “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો
- બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકર માટે “પા પા પગલી પ્રોજેકટ” અંતર્ગત થયું આયોજન
- જિલ્લાના શિક્ષણવિદ હિતેષભાઇ બ્રહ્મભટ્ટ અને બિરેનભાઇ પટેલ દ્વારા બાળકો – વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
- આંગણવાડીનાં ભૂલકાં ગ્રૃપ દ્વારા ડાંસ પરફોર્મન્સ તથા એક-પાત્રીય અભિનયની રજૂઆત
નડિયાદ, 6 માર્ચઃ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહની અધ્યક્ષતામાં બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકર માટે “પા પા પગલી પ્રોજેકટ” અંતર્ગત “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આંગણવાડી બહેનોની કામગીરી બિરદાવતા નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેકટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને તેનું આંકલન આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવે છે. બાળકના જન્મથી લઇ ૬ વર્ષનો સમયગાળો તેના વિકાસ માટે ખૂબ મહત્ત્વનો હોય છે. આંગણવાડીમાં બાળકોના વિકાસના તમામ પાસાઓનું અવલોકન દર ત્રણ મહિને કરી વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આંગણવાડીની બહેનો વાલીઓને આપે છે.
જિલ્લાના શિક્ષણવિદ હિતેષભાઇ બ્રહ્મભટ્ટ અને બિરેનભાઇ પટેલ દ્વારા બાળકોને શા માટે આંગણવાડી મોકલવા જોઇએ તથા આંગણવાડીથી થતા બાળકોના વિકાસમાં કેવી અસર પડે છે, આંગણવાડીમાં જવાથી તેમના શિક્ષણ પર કેવી અસર રહે છે તેના વિશે રસપ્રદ ઉદાહરણ દ્વારા વાલીઓને ખ્યાલ આપ્યો હતો. તેમજ વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. સાથોસાથ બધિર વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રજ્ઞાબેન દ્વારા દ્વારા નવજાત શિશુની કાનમાં સાંભળવાની તપાસ અંગે વાલીઓને ખ્યાલ આપ્યો હતો અને જો બાળકોને સાંભળવામાં કોઇ ખામી લાગે તો કેવાં પગલાં લેવા તે અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં આંગણવાડીનાં ભૂલકાં ગ્રૃપ દ્વારા ડાંસ પરફોર્મન્સ તથા એક-પાત્રીય અભિનય રજુ કરવામાં આવ્યા હતા. તેમજ ટીએલએમ સ્ટાફ દ્વારા ૧૫ જેટલા નાના બાળકો માટે લર્નિંગ એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર ડાંસ પરફોર્મન્સ કરનારા તમામ બાળકોને ઇનામ આપી સન્માન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, અગ્રણી નલીનીબેન પટેલ, જિલ્લા નાયબ વિકાસ અધિકારી ક્રિષ્નાબેન ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, બધીર વિધાલયનાં આચાર્ય પ્રજ્ઞાબેન તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ નક્સલવાદી સમર્થક પ્રાધ્યાપક સાઈબાબાની સજા હાઈકોર્ટે માફ કરી દીધી