8મે, હૈદરાબાદ: મુંબઈ ઇન્ડિયન્સ એટલેકે MI, IPL 2024માંથી officially બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. ગઈકાલે સન રાઈઝર્સ હૈદરાબાદે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે અહીં હરાવી દીધું ત્યારે જ મુંબઈ ઇન્ડિયન્સની વિદાય પાક્કી થઇ ગઈ હતી.
સન રાઈઝર્સ હૈદરાબાદે લખનૌને ફક્ત 10 વિકેટે હરાવ્યું હતું એટલું જ નહીં પરંતુ તેણે 62 બોલ અગાઉ જ આ ટાર્ગેટને એચીવ કરી લીધો હતો. આ જીતને કારણે હૈદરાબાદના 14 પોઈન્ટ્સ થયા હતા અને તે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ બાદ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે આવી ગયું હતું.
કોલકાતા અને રાજસ્થાન બંને 16-16 પોઈન્ટ્સ સાથે અનુક્રમે પહેલા અને બીજા નંબરે છે. હૈદરાબાદ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ 12 પોઈન્ટ્સ સાથે ચોથા નંબરે છે. લખનૌ અને દિલ્હી કેપિટલ્સ 14 મે ના દિવસે એકબીજા સામે ટકરાશે અને આ બંને ટીમોમાંથી એક ટીમ તો ઓછામાં ઓછા 13 પોઈન્ટ્સ તો મેળવશે જ.
મુંબઈ ઇન્ડિયન્સ તેની બાકીની મેચો જીતી જાય તો પણ તે વધુમાં વધુ 12 પોઈન્ટ્સ જ મેળવી શકશે જે તેમને ટોચની ચાર ટીમોથી એક સ્થાન નીચે રાખશે. આજ બાબત પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પણ લાગુ પડશે અને આ બંને ટીમો આજે ધરમસાલામાં એકબીજા સામે રમવાની છે.
શુક્રવારે જ્યારે ગુજરાત ટાઈટન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે ત્યારે તેનું ભવિષ્ય પણ સીલ થઇ જવાનું છે. પ્લેઓફ્સમાં ક્વોલીફાય થવા માટે ટોચના ચાર સ્થાનોમાંથી એક સ્થાન મેળવવું જરૂરી છે.
મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL 2024માંથી બહાર નીકળી જવું કોઈને આશ્ચર્ય પમાડે તેવું નથી. ગયા ઓક્શન વખતે મુંબઈએ ગુજરાત ટાઈટન્સ પાસેથી હાર્દિક પંડ્યાને રીટેઇન કર્યો હતો અને ત્યારબાદ તેને ટીમનો કપ્તાન બનાવ્યો હતો.
આ નિર્ણય ટીમના મોટાભાગના ખેલાડીઓને પસંદ નહોતો આવ્યો કારણકે રોહિત શર્મા જે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે તેને હાર્દિકના કારણે પોતાના સ્થાનેથી હટવું પડ્યું છે. આમ ટીમનું આ વાતાવરણમાં જીતવું એ પહેલેથી જ અઘરું લાગતું હતું.
મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ પણ ટીમથી ઘણા આક્રોશિત હતા કારણકે તેમને માટે રોહિત શર્મા જ કેપ્ટન હતો. તેમણે નવા કેપ્ટન હાર્દિક પંડ્યાનું જાહેરમાં હુંટિંગ કર્યું હતું અને સોશિયલ મીડિયામાં તેનું સતત અપમાન પણ કર્યું હતું. આમ ટીમનું વાતાવરણ જ એવું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ આ વર્ષે પ્લેઓફ્સમાં આવે એની શક્યતાઓ પહેલેથી જ ન હતી.