ટ્રેન્ડિંગવિશેષસંવાદનો હેલ્લારો

પ્રેરણા સ્ફૂરક/ “ખુબ લડી મર્દાની..” ગલવાન ઘાટીનાં શહીદનાં પત્ની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બન્યાં

Text To Speech

“હે વિધાતા, તે મને જો 10 વધુ દિકરા આપ્યા હોત, તો હું મારા ભારત દેશની સેવા હજુ વધુ સારી રીતે કરી શકત” આ ઉદ્દગાર એક ભારતીય સેનાનાં શહીદ માઁ નાં છે. એવું નથી કે ફક્ત ભારતીય સેના અને સેનાનાં જવાનો જ માઁ ભારતી માટે બલિદાન અપવા તત્પર છે. દરેક ભારતીય સેનાનાં જવાનો અને ઓફિસરોનો પરિવાર પણ આવો જસ્બો રાખે છે. શહાદત વહોંરવી સહેલી નથી, પરંતુ પરિવારનું કોઇ લાડકવાયુ શહીદ થાય પછી પણ આવો જસ્બો રાખવો તે ભારતીય પરિવાર જ કરી શકે.

“ખુબ લડી મર્દાની, વો તો ઝાંસીવાલી રાની થી”, જ્યારે કોઇ ઘરમાં આવી માઁ-દિકરી-બહેન કે પત્ની હોય ત્યારે બીજુ કહેવું ઘટે. આવો જ એક આદર્શ ભારતીય સેનાનાં શહીદ જવાનની પત્ની દ્વારા પોતાના પતિની ઇચ્છા પ્રમાણે સેનામાં અધિકારી બની સ્થાપવામાં આવ્યો છે. જી હા, રેખા સિંહ, માઁ ભારતીની આ દિકરી કે જેણે ગલવાન વેલીનાં શહીદ પતિ લાન્સ નાઈક દીપક સિંહનાં સપનાને સાકાર કરવા માટે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની પોતાનું જ નહીં પણ સમગ્ર નારી જાતી સહિત દેશનું ગૌરવ વધાર્યુ છે.

ઉલ્લેખનીય છે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની અથડામણમાં લાન્સ નાઈક દીપક સિંહ શહીદ થયા હતા. શહીદ દીપક સિંહને મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા છે. પોતાનાં શહીદ પતિની ઇચ્છાને માથે ચડીવી પત્ની દ્નારા તનતોડ મહેનત કરવામાં આવી અને હવે સેનામાં લેફ્ટનન્ટ પદ માટે શહીદની પત્ની રેખા સિંહની પસંદગી કરવામાં આવી છે.

રીવા જિલ્લાના શહીદ લાન્સ નાઈક દીપક સિંહની પત્નીની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. મેડિકલ ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ચેન્નાઈમાં તેમની ટ્રેનિંગ થશે. રેખા સિંહે લગ્નના 15 મહિનામાં જ પતિ ગુમાવ્યો હતો. જણાવી દઈએ કે 15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં લાન્સ નાઈક દીપક સિંહ શહીદ થયા હતા.  શહીદની પત્ની રેખા સિંહે કહ્યું કે, પતિની શહાદતનું દુ:ખ અને દેશભક્તિની ભાવનાથી જ મેં શિક્ષકની નોકરી છોડીને સેનામાં ઓફિસર બનવાનું મન બનાવ્યું. પરંતુ તે સરળ ન હતું. આ માટે તેણે નોઈડા જઈને સેનામાં જોડાવા માટે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી અને તાલીમ લીધી. શારીરિક તાલીમ પણ લીધી. આમ છતાં પ્રથમ પ્રયાસમાં સફળતા મળી ન હતી. રેખાએ કહ્યું, ‘મેં હિંમત ન હારી અને સેનામાં જોડાવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરતી રહી. બીજા પ્રયાસમાં મહેનતનું ફળ મળ્યું અને મારી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ પદ માટે પસંદગી થઈ. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ પદ માટેની તાલીમ ચેન્નાઈમાં 28 મેથી શરૂ થશે.

લગ્ન પહેલા રેખા સિંહ સિરમૌરની જવાહર નવોદય વિદ્યાલયમાં ભણાવતા હતા. ઉચ્ચ શિક્ષણ મેળવનાર રેખાએ શિક્ષક બનીને સમાજની સેવા કરવાનું સપનું જોયું હતું. લગ્ન પછી પતિ શહીદ દીપક સિંહે રેખાને  સેનામાં ઓફિસર બનવાની પ્રેરણા આપી હતી. આ કારણે રેખા સિંહે પોતાના પતિની શહીદી પછી પોતાનાં પતિનું સપનું પૂરું કરવાનો સંકલ્પ કર્યો. જેમાં સાસુ-સસરા પરિવારજનોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો. તેમના પતિની શહાદત બાદ રેખા સિંહને મધ્યપ્રદેશ સરકાર વતી શિક્ષણ કાર્યકર વર્ગ-2ની પોસ્ટ પર નિમણૂક આપવામાં આવી હતી. તેમણે તેમની શિક્ષણની ફરજો પૂરી જવાબદારી સાથે નિભાવી. પરંતુ સૈન્યમાં જોડાવાની ઈચ્છા તેના મનમાં સતત રહી. આ અંગે તેમણે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી સાથે ચર્ચા કરી હતી. રેવા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીએ લશ્કરમાં પસંદગી અંગે યોગ્ય માર્ગદર્શન અને સંવેદનશીલતા સાથે સહકાર આપ્યો હતો. રેખા સિંહે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ હિંમતપૂર્વક કામ કરીને અને મુશ્કેલીઓમાં પણ હકારાત્મક વિચારસરણી સાથે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે તેણે શહીદ પતિ દીપક સિંહનું સપનું પૂરું કર્યું છે.

નોંધનીય છે કે ભારતીય સેનાના બહાદુર સૈનિક તરીકે, લાન્સ નાઈક દીપક સિંહે 15 જૂન 2020ના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સામે જોરશોરથી લડ્યા હતા. લડાઈ દરમિયાન, તેણે તેના સાથીઓ સાથે ચીની સેનાને પીછેહઠ કરવા દબાણ કર્યું. પરંતુ આ સંઘર્ષમાં દીપક સિંહ માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા હતા. તેમની શહાદતને કારણે પરિવાર સહિત તેમની પત્ની રેખા પર પણ આભ તૂટી પડ્યું હતું

Back to top button