- કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ આપી માહિતી
- આવાસ ખાલી નહીં કરે, તો અધિકારીઓની ટીમો મોકલાશે અને બળજબરીથી બહાર કઢાશે
નવી દિલ્હી, 16 જુલાઈ : 200થી વધુ ભૂતપૂર્વ લોકસભા સાંસદોને સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે જેમણે લ્યુટિયન્સ દિલ્હીમાં પોતાનો બંગલો ખાલી કર્યો નથી. આ નોટિસ તેમને જાહેર જગ્યા (અનધિકૃત કબજેદારોની હકાલપટ્ટી) કાયદા હેઠળ જારી કરવામાં આવી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ ગઈકાલે સોમવારે આ માહિતી આપી હતી.
લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર સરકારી બંગલો કરવો પડે છે ખાલી
નિયમો અનુસાર, ભૂતપૂર્વ સાંસદોએ અગાઉની લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર તેમના સરકારી બંગલા ખાલી કરવા પડે છે. આ સાંસદોને વહેલી તકે તેમના સત્તાવાર બંગલા ખાલી કરવા કહેવામાં આવ્યું છે. જે પૂર્વ સાંસદોએ પોતાના બંગલા ખાલી કર્યા નથી તેમને નોટિસ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જો ભૂતપૂર્વ સાંસદો ટૂંક સમયમાં તેમના સરકારી આવાસ ખાલી નહીં કરે, તો અધિકારીઓની ટીમો મોકલવામાં આવશે અને બળજબરીથી બહાર કાઢવામાં આવશે.
આ પણ વાંચો : કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં અધિકારી સહિત 4 જવાનો શહીદ
સ્મૃતિ ઈરાની સહિત ચારથી વધુ પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ સરકારી બંગલો ખાલી કર્યો
જો કે, અત્યાર સુધી કોઈ પૂર્વ કેન્દ્રીય મંત્રીને નિર્ધારિત મુદતથી વધુ રહેવા બદલ ખાલી કરવાની નોટિસ જારી કરવામાં આવી નથી. સ્મૃતિ ઈરાની સહિત ચારથી વધુ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ લુટિયન્સ દિલ્હીમાં તેમનો સરકારી બંગલો ખાલી કર્યો છે. ઈરાની અમેઠી સંસદીય બેઠક પરથી કોંગ્રેસના નેતા કિશોરી લાલ શર્મા સામે 1.5 લાખથી વધુ મતોના અંતરથી હારી ગયા હતા. જે બાદ ઈરાનીએ આ મહિનાની શરૂઆતમાં લુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રેસન્ટ સ્થિત પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો હતો.
આ દરમિયાન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરને 83 લોધી એસ્ટેટ બંગલો ફાળવવામાં આવ્યો છે. લોકસભા સચિવાલય સાંસદોને રહેઠાણ પૂરું પાડે છે, પરંતુ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય (HUA) કેન્દ્રીય મંત્રીઓને લ્યુટિયન્સ દિલ્હીમાં બંગલા ફાળવે છે.
આ પણ વાંચો : CM કેજરીવાલના PA બિભવ કુમાર સામેના કેસમાં 1000 પેજની ચાર્જશીટ તૈયાર