ભારતમાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતને કારણે 1.68 લાખથી વધુનાં મૃત્યુ
- ભારતમાં 2022માં રોડ અકસ્માતમાં મૃત્યુઆંક 1,68,491 પર પહોંચી ગયો છે
- 4.45 લાખ લોકો ઘાયલ થયા
- 2021ની સરખામણીમાં ભારતમાં અકસ્માતોની સંખ્યામાં લગભગ 12 ટકાનો વધારો થયો
નવી દિલ્હીઃ ભારતીય માર્ગો પર સતત બેદરકારીને કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. કેન્દ્ર દ્વારા વર્ષ 2022 માટેના ડેટા જાહેર કરવામાં આવતાં ભારતમાં માર્ગ અકસ્માતો નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ગયા વર્ષે ભારતમાં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો નોંધાયા હતા.
માર્ગ અકસ્માતમાં લાખો લોકોના જીવ ગયા
આ અકસ્માતોમાં મૃત્યુઆંક 1,68,491 પર પહોંચી ગયો છે અને લગભગ 4.45 લાખ લોકો ઘાયલ પણ થયા છે. ભારતમાં 2021ની સરખામણીમાં અકસ્માતોની સંખ્યામાં લગભગ 12 ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુની સંખ્યામાં 9.4 ટકાનો વધારો થયો છે. માર્ગ અકસ્માતો પર આ વાર્ષિક રિપોર્ટ MoRTH પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતના રસ્તાઓ પર ઝડપ સૌથી વધુ જીવલેણ સાબિત થઇ છે. 2022માં થયેલા લગભગ 75 ટકા અકસ્માતોનું આ જ કારણ છે. રોડ અકસ્માતના છ ટકા કિસ્સા વિરુધ્ધ દિશામાં વાહન ચલાવવાના કારણે બને છે. તેમજ ચાર ટકાથી વધુ માર્ગ અકસ્માતો નશામાં ડ્રાઈવિંગ અને ડ્રાઈવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાના કારણે થાય છે.
આ કારણોસર વધુ મૃત્યુ થયા છે
પાયાના માર્ગ સલામતીના નિયમોના ઉલ્લંઘનને કારણે ગયા વર્ષે ભારતમાં લગભગ 70,000 લોકો મૃત્યુ પામ્યા હતા. કારમાં સવાર તમામ વ્યક્તિઓ માટે ફરજિયાત સીટબેલ્ટ નિયમો લાગુ કરવા છતાં 2022 માં લગભગ 17,000 લોકોએ તેને ન પહેરવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ હેલ્મેટ ન પહેરવાના કારણે 50,000 થી વધુ ટુ-વ્હીલર ચાલકોના પણ મૃત્યુ થયા છે.
સૌથી વધુ અકસ્માતો એક્સપ્રેસ વે પર થયા છે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ આમાંથી અડધાથી વધુ માર્ગ અકસ્માતો હાઇવે અને એક્સપ્રેસ વે પર થયા છે. લગભગ 33 ટકા માર્ગ અકસ્માતો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થયા છે જેમાં એક્સપ્રેસ-વેનો પણ સમાવેશ થાય છે જે ઉચ્ચતમ ગતિ મર્યાદા આપે છે. રાજ્ય ધોરીમાર્ગો પર પણ ગયા વર્ષે એક લાખથી વધુ અકસ્માતો થયા હતા જે ભારતમાં થયેલા તમામ અકસ્માતોમાં લગભગ 23 ટકા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 40 ટકા અકસ્માતો અન્ય રસ્તાઓ પર થાય છે.
આ પણ વાંચો, ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ પરથી બ્રહ્મોસ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ