અમદાવાદ, 20 જૂન 2024, ગુજરાતમાં 11 જૂને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ, ચોમાસાના વિધિવત્ આગમનના નવ દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે. સૌરાષ્ટમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને વલસાડના કપરાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકોએ વરસાદની રાહ જોવી પડશે. અમદાવાદમાં લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો
આજે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ઉમરગામમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના નાંદોદમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1થી 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો.
અમદાવાદીઓ બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે અમદાવાદ સહિતના વિસ્તારોમા સાંજ પછી હળવા વરસાદની શક્યતા હતી. પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત જિલ્લાઓ તથા મધ્ય ગુજરાતના પણ મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમા ઘટાડો આવ્યો છે. પરંતુ હ્યુમિડિટીમાં વધારો થતા શહેરીજનોને બફારોનો અનુભવ થઈ રહ્યો છે જે આગામી બે દિવસ યથાવત્ રહેવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે
આજે અમદાવાદ શહેરમાં બપોરે સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારબાદ વાદળો હટી જતાં આકાશ સાફ થશે અને શહેરીજનોને ગરમીનો અનુભવ થશે. આજે સવારથી જ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધીને સવારના 10 વાગ્યા સુધીમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ શકે છે. બપોરના 1 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ધીમે ધીમે તેમાં વધારો થઈને બપોરના 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. જેની ઝડપ 15-25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
આ પણ વાંચોઃખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે લીધો નિર્ણય