21 મે સુધીમાં કેરળમાં મોનસૂનનું આગમન થશે, ECMWFની આગાહી
અકળાવી નાખે તેવી ગરમીમાં એક વસ્તુ રાહત આપી શકે છે અને તે છે ચોમાસું. સૂરજના આકરા તાપથી સુકાઈ ગયેલી જમીનને વરસાદના ટીપાંના સ્પર્શથી ફરી નવું જીવન મળે છે. ત્યારે આ વર્ષો મોનસૂન સારું રહેશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે સારો વરસાદ પડશે, જૂન અને સપ્ટેમ્બર વચ્ચે જ 868 મીમી સરેરાશ વરસાદ પડવાની શક્યતા છે. તો યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ (ECMWF) મુજબ દેશમાં આ વર્ષે ચોમાસું વ્હેલું આવી શકે છે.
ECMWFના જણાવ્યા મુજબ ભારતમાં આ વર્ષે મોનસૂન 10 દિવસ પહેલા જ દસ્તક આપી શકે છે. એજન્સી મુજબ કેરળના તટે 20-21 મેનાં રોજ મોનસૂન ટકરાઈ શકે છે. મોટા ભાગના રાજ્યોમાં મોનસૂન જૂનના પહેલા સપ્તાહમાં આવે છે. જે બાદ દેશના અન્ય વિસ્તારમાં પહોંચે છે.
એજન્સીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં હાલ હવામાન સંબંધી ફેરફારના સંકેત મળી રહ્યાં છે કે આરબ સાગરમાં એન્ટીસાઈક્લોન ક્ષેત્ર બનું રહ્યું છે. આ કારણે મોનસૂન કેરળમાં જલદી આવી શકે છે. તેના પ્રભાવથી પશ્ચિમી ક્ષેત્રના અન્ય વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે.
કેરળમાં 1 જૂને જ આવશે મોનસૂનઃ IMD
IMDના હવામાન વૈજ્ઞાનિક આનંદ કુમાર દાસે જણાવ્યું કે સેટેલાઈટ ઈમેજિસથી જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ મોનસૂન યોગ્ય સમયે જ આવે તેવી શક્યતા વધુ છે. કેરળમાં આ 1 જૂને જ આવશે. તેમને કહ્યું કે ભૂમધ્ય રેખાની પાસે વાદળો દેખાયા છે જે ઘણાં સક્રિય છે. આ સંકેત આપે છે કે મોનસૂનની ગતિ ઝડપથી સ્પીડ પકડશે.
તો સ્કાઈમેટ વેધર સર્વિસના મહેશ પલાવતે કહ્યું કે એવું લાગે છે કે મોનસૂન પોતાના અપેક્ષિત સમયની આસપાસ જ શરૂ થશે. એન્ટી સાઈક્લોન બને છે તો શરૂઆતમાં જ થોડું મોડું થઈ શકે છે.
દેશમાં 70% વરસાદ દક્ષિણ પશ્ચિમ મોનસૂનથી
મોનસૂન કેરળમાં 1 જૂને આવીને જુલાઈના મધ્ય ભાગ સુધી આખા દેશમાં ચોમાસું બેસી જાય છે. દેશમાં કુલ વરસાદનો 70 ટકા દક્ષિણ પશ્ચિમ મોનસૂનથી જ થાય છે. ભારતમાં ખેડૂતો વરસાદ પર જ નિર્ભર હોય છે. યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યાન્નની કિંમત રેકોર્ડ ઉંચાઈએ પહોંચી છે. ભારતમાં સારો વરસાદ, જે તમામ રાજ્યોમાં થાય ત્યારે જ પાક સારો થાય છે. અને સારા ચોમાસાથી જ ભારતમાં ખાદ્યાન્ન આયાતની નિર્ભરતા ઓછી થશે.