ગુજરાતમાં બેંક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-ATMની થશે વહેંચણી
- ગુજરાતના તમામ જિલ્લાઓમાં નવી પહેલનો કરવામાં આવશે પ્રારંભ
- દૂધ સહકારી મંડળીના સભાસદોને રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેંક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-ATM આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1,723 માઇક્રો-ATM વહેંચાવામાં આવ્યા હતા. તેવી જ રીતે, પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપેય ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 802,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ફેબ્રુઆરી 7, 2024ના રોજ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે પ્રશ્નના જવાબમાં શું કહ્યું ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન અનુસાર, ડેરી અને ફિશરીઝ સહકારી મંડળીઓને જિલ્લા સહકારી કેન્દ્રિય બેંક (DCCBs) અને રાજ્ય સહકારી બેંક (StCBs)ના બેંક મિત્ર બનાવી શકાય. તેમના વ્યવસાય કરવાની સરળતા, પારદર્શિતા અને નાણાકિય સમાવેશને સુનિશ્ચિત કરવા માટે ડોર-સ્ટેપ ફાઇનાન્સિયલ સર્વિસીસ પૂરી પાડવા નાબાર્ડ દ્વારા બેંક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-ATM આપવામાં આવે છે. બીજી એક પહેલમાં, DCCBs/StCBsની પહોંચને વિસ્તારવા તથા ડેરી કોઓપરેટીવ સોસાયટીના સભ્યોને જરૂરી નાણાં પૂરા પાડવા રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવે છે, જેથી સહકારી મંડળીના સભાસદોને ઘણાં નીચા વ્યાજદરે ધિરાણ આપી શકાય અને તેમને નાણાકીય વ્યવહાર કરવા સક્ષમ બનાવી શકાય.
પ્રત્યુત્તરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, અર્બન કો.ઓપ. બેંકોની હાઉસિંગ લોનની મર્યાદા રૂ. 30 લાખથી બમણી કરીને રૂ. 60 લાખ કરવામાં આવી છે અને ગ્રામીણ સહકારી બેંકોની મર્યાદા અઢી ગણી વધારીને રૂ. 75 લાખ કરવામાં આવી છે. સરકારે ત્રણ નવી રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે: 1) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ સીડ સોસાયટી – પ્રમાણિત બિયારણ માટે 2) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ ઓર્ગેનિક સોસાયટી – ઓર્ગેનિક ખેતી માટે 3) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ એક્સપોર્ટ સોસયટી – નિકાસને પ્રોત્સાહન આપવા માટે.
કમ્પ્યૂટરાઇઝેશનનો પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂરી કરવામાં આવ્યો
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માટે, ઇન્ફ્રોર્મેશન ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. સેન્ટ્રલ રજીસ્ટ્રારની ઓફિસનું ક્મ્પ્યૂટરાઇઝેશન કરવામાં આવ્યું છે જેથી મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ સોસાયટીઝ માટે ડિજીટલ ઇકોસિસ્ટમ તૈયાર કરી શકાય. આર.સી.એસ. ઓફિસોના કમ્પ્યુટરાઇઝેશનના સેન્ટ્રલી સ્પોન્સર્ડ પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી અપ્રોઝલ મળી છે, જેમાંથી 30 મંજૂર કરવામાં આવી છે. લાંબાગાળાના સહકારી ધિરાણના માળખાને મજબૂત કરવા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા ખેતી અને ગ્રામીણ વિકાસ બેંકોના 1,851 એકમોના કમ્પ્યુટરાઇઝેશનનો પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂરી કરવામાં આવ્યો છે.
આ પણ જુઓ: ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાન બંધ કરી બેલેટ પેપરથી મતદાન કરાવવા રજૂઆત