ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત-મ્યાનમાર વચ્ચેની ફ્રી મૂવમેન્ટ સિસ્ટમને ખતમ કરીઃ અમિત શાહ

Text To Speech

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકારે ગુરુવારે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમેન્ટ સિસ્ટમને નાબૂદ કરી દીધી છે. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે જાણકારી આપી છે. ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના 16 કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે. અમિત શાહે X પર કહ્યું કે પીએમ મોદીનો સંકલ્પ છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે.

આ નિર્ણય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારત મ્યાનમાર સાથેની સમગ્ર 1,643 કિલોમીટર લાંબી સરહદ પર વાડ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવશે. જો કે, ગઈકાલે જ ભારતીય વિદેશ મંત્રાલયે મ્યાનમારમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી બહાર પાડી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું, રખાઈન પ્રાંતમાં રહેતા ભારતીયોયે તાત્કાલિક વિસ્તાર છોડી દેવું જોઈએ.

મણિપુરમાં કુકી અને બહુમતી મૈતેઈ વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે. સરહદ પર વાડ લગાવવી એ ઇમ્ફાલ ખીણના મૈતેઈ સમુદાયની વારંવાર માંગ રહી છે, જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. મૈતેઈ સમુદાયે એવો પણ આક્ષેપ કર્યો છે કે વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે. પરિણામે દેશમાં ગેરકાયદાકીય ઘૂસણખોરી વધી રહી હતી. જેના કારણે કેન્દ્ર સરકારે ફ્રી મૂવમેન્ટ સિસ્ટમને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ‘રખાઈનને તાત્કાલિક છોડી દો’, મ્યાનમારમાં રહેતા ભારતીયોને વિદેશ મંત્રાલયની એડવાઈઝરી

Back to top button