
Gujarat News : રાજ્યમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વધુ વેગ આપવા ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં અનેક કામોની કરાઈ સમીક્ષા
આ બેઠકમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના ભાવનગર સુધી લંબાવવા માટે નિર્ણય લેવાયો છે. આ અંગે આગામી ત્રણ મહિનામાં કામગીરી શરૂ કરાશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રીને પાલનપુર-સામખિયાળી માર્ગ વિસ્તરણના કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં રાજ્યમાં ચાલતા અગત્યના પ્રોજેક્ટ જેવા કે, વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48 (સિક્સ લેન), મોરબી સામખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઈન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે અને અમદાવાદ-શામળાજી સિક્સલેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જમીન સંપાદનમાં ગુજરાત મોડલ આદર્શ
રાજ્યની નીતિની કેન્દ્રીય મંત્રી દ્વારા રોડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરીની પ્રશંસા કરી હતી. અને કહ્યું હતું કે, રોડનો DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે, રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની સરળતા રહે તે માટે બિનખેતી મંજૂરી અંગે કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાનું ગુજરાત મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં વિકાસની સાથે પર્યાવરણના જતન પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. અને પીએમ નરેન્દ્ર મોદીના પર્યાવરણ પ્રિય વિકાસના અભિગમને આગળ વધારવા કેન્દ્રીય મંત્રીએ વિવિધ માર્ગના રોડ વિસ્તરણના અલાઈનમેન્ટમાં વૃક્ષો આવતા હોય, તેમને કાપવાને બદલે તે જ રોડ પર અન્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ થાય તે સુનિશ્વિત કરવા સૂચન કર્યું હતું.
આ પણ વાંચો : સૌરઉર્જા અભિયાનને મળશે વેગ : હવે વિશ્વ બેંક તરફથી મળ્યું સમર્થન, રોજગારમાં થશે વધારો












