બિઝનેસ

શેરબજારમાં ઘટાડાના કારણે ટોચની 7 કંપનીઓને 1.25 લાખ કરોડનો ફટકો, રિલાયન્સને સૌથી વધુ નુકસાન

Market Capitalization Updates: ગયા અઠવાડિયે ભારતીય શેરબજારમાં જોવા મળેલી નબળાઈની સીધી અસર દેશની સૌથી મોટી દિગ્ગજ કંપનીઓ પર પડી છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં નોંધાયેલા ઘટાડા વચ્ચે, દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 7 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડી) માં કુલ ₹1.25 લાખ કરોડથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે. આ સાપ્તાહિક ઘટાડામાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

FIIની વેચવાલીથી સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા

ગયા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ 532.40 પોઈન્ટ (0.71 ટકા) અને નિફ્ટી 181.05 પોઈન્ટ (0.76 ટકા) ઘટ્યો હતો. બજાર નિષ્ણાતોના મતે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા આચરવામાં આવેલી સતત વેચવાલી બજાર પર દબાણનું મુખ્ય કારણ હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને રૂપિયાની મજબૂતી જેવા સકારાત્મક સંકેતો હોવા છતાં, ચોમાસાની પ્રગતિ અંગેની ચિંતાઓએ રોકાણકારોનો વિશ્વાસ નબળો પાડ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રિલાયન્સ અને TCS નું માર્કેટ કેપ ઘટ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹39718 કરોડ ઘટીને ₹17.47 લાખ કરોડ થઈ ગયું છે. આ ઉપરાંત TCS ને ₹20134 કરોડ, ભારતી એરટેલને ₹18736 કરોડ, L&T ને ₹16880 કરોડ અને LIC ને ₹14610 કરોડનું નુકસાન થયું છે. બજાજ ફાઇનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવરનું મૂલ્ય પણ અનુક્રમે ₹9681 કરોડ અને ₹5909 કરોડ ઘટ્યું છે.

બેન્કિંગ શેરોમાં ઉછાળો

સામે પક્ષે 3 બેન્કિંગ કંપનીઓ નફો કમાવવામાં સફળ રહી હતી. SBI નું માર્કેટ કેપ ₹12692 કરોડ વધીને ₹9.02 લાખ કરોડ, ICICI બેંકનું ₹4484 કરોડ વધીને ₹9.05 લાખ કરોડ અને HDFC બેંકનું માર્કેટ કેપ ₹4101 કરોડ વધીને ₹11.50 લાખ કરોડ થયું છે. જોકે, તમામ ચડાવ-ઉતાર બાદ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે ટોચના સ્થાને યથાવત છે.

આ પણ વાંચો: આગામી સપ્તાહ સોના-ચાંદીના ભાવમાં થશે ફેરફાર! મુખ્ય આર્થિક ડેટા અને વૈશ્વિક વિકાસ પર રહેશે નજર

Back to top button