બુટલેગરોનો કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે જાતે મહુડાનો દારૂ બનાવો: મનસુખ વસાવા

Mansukh Vasava: ભરૂચ લોકસભા ક્ષેત્રના ભાજપ સાંસદ મનસુખ વસાવા તેમના સ્પષ્ટવક્તા અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. તાજેતરમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામવિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં તેમણે એવા નિવેદનો આપ્યા કે જેણે સ્થાનિક રાજકારણમાં તોફાન મચાવી દીધું છે.
બેઠક પહેલાં જ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં મોટી તિરાડો પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મુદ્દે સાંસદે સ્પષ્ટતા કરતાં નબળા બાંધકામનો દોષ મનરેગા (NREGA) યોજના પર ઢોળી દીધો અને ગ્રામજનોને વધુ સારી અને મજબૂત સુવિધા આપવાની ખાતરી પણ આપી.
આદિવાસીઓને મહુડાના દારૂની સલાહ
સભામાં સાંસદ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના વેપાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે બુટલેગરો મોટા કન્ટેનરોમાં કેમિકલયુક્ત અંગ્રેજી દારૂ લાવીને આદિવાસી યુવાનોને નશાના રવાડે ચડાવી રહ્યા છે. આ વેપારથી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.
જોકે, તેમના એક નિવેદને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. તેમણે આદિવાસી સમાજને સલાહ આપી કે, “બુટલેગરોનો કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે જાતે મહુડાનો દારૂ બનાવો.” હવે આ સલાહે દારૂબંધીવાળા ગુજરાતમાં નવો વિવાદ જન્માવ્યો છે.
યુવાનોને સંદેશ
સાંસદે સોશિયલ મીડિયા પર ભાજપ વિરુદ્ધ ચાલતા અપપ્રચારનો જવાબ પણ આપ્યો. તેમણે કહ્યું કે આજકાલના નવા નેતાઓને ભાજપે કરેલા વિકાસના કામોની કોઈ જાણકારી નથી. વિરોધીઓ આદિવાસી યુવાનો અને મહિલાઓને દારૂ પીવડાવીને નચાવવા અને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે.
યુવાનોને સંબોધતા તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું, “આપણે માત્ર ‘બિરસા મુંડા ઝિંદાબાદ’ના નારા લગાવીએ છીએ, પણ તેમના સંઘર્ષ અને ફિલસૂફીને સમજતા નથી. આજનો યુવાન તીર-કામઠાને બદલે દારૂની બોટલો લઈને ફરે છે.” તેમણે યુવાનોને સારું શિક્ષણ લેવા અને ઉદ્યોગોમાં ઉપલબ્ધ નોકરીઓ મેળવવા પ્રોત્સાહિત કર્યા અને નોકરી અપાવવાની જવાબદારી પોતાની હોવાનું કહ્યું.
આ નિવેદનો એવા સમયે આવ્યું છે જ્યારે સાંસદ વસાવાએ તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના ધંધા અંગે પોલીસ-રાજકીય સાંઠગાંઠના આક્ષેપો કર્યા હતા. આદિવાસી વિસ્તારોમાં મહુડા (મહુઆ) એ પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે મહત્વનો છે, પરંતુ ઘરે દારૂ બનાવવા અંગેની સલાહે કાયદાકીય અને સામાજિક ચર્ચા તેજ કરી દીધી છે.
સ્થાનિક આદિવાસી સમાજમાં આ વાતની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેટલાક તેને પરંપરાને માન આપતી સલાહ માને છે, જ્યારે અન્યો તેને દારૂબંધીની નીતિ સામે પડકાર તરીકે જુએ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો ભાંડાફોડ: ટેરર ફંડિંગ, ડ્રગ્સ અને ડાર્ક વેબ કનેક્શનનો ખુલાસો












