કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

માણાવદરના MLA અરવિંદ લાડાણીએ અધિકારીને જમીન પર બેસાડી ખખડાવ્યા, વીડિયો વાયરલ

જૂનાગઢ, 15 જૂન 2024, માણાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં વિજેતા થયેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ અધિકારીને જમીન પર બેસાડી ખખડાવી રહ્યા છે.માણાવદર પાલિકાના ચીફ ઓફિસર અને તેમના સહયોગી અધિકારીઓના અણઘડ વહીવટથી ત્રાસેલા ધારાસભ્ય પોતે જમીન પર બેસી અધિકારીને પણ જમીન પર બેસાડી ચર્ચા કરી હતી. ધારાસભ્ય ચીફ ઓફિસરને ખોટી રીતે હરાજી યોજી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા હોવાનું વીડિયોમાં દેખાય છે.સમગ્ર વીડિયોમાં ચીફ ઓફિસરે માફી પણ માગે છે. અધિકારી બિલ બાકી હોવાનો સ્વીકાર પણ કરે છે.

25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે
માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો ઉઠતા ધારાસભ્ય અરવિંદ લાડાણી માણાવદર મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા.ધારાસભ્ય અહીં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ પોતાની બાજુમાં જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો. માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે.

લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો આક્ષેપ
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો. માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો. માણાવદર નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર દ્વારા ભંગાર વેચાણમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા લાડાણી પેટા ચૂંટણી જીત્યા
અરવિંદ લાડાણી 2019ની પેટાચૂંટણીમાં ભાજપના તત્કાલીન મંત્રી જવાહર ચાવડા સામે પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમનો જવાહર ચાવડા સામે 9000 મતથી પરાજય થયો હતો. ફરી એકવાર 2022માં કોંગ્રેસે વિશ્વાસ મૂકી તેમને ટિકિટ આપી હતી અને 2022માં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2022માં માણાવદરમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અરવિંદ લાડાણીએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણી સાથે માણાવદર વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડેલા અરવિંદ લાડાણીનો વિજય થયો હતો.

આ પણ વાંચોઃઅમરેલી બાદ માણાવદરમાં ભડકોઃ ભાજપના ઉમેદવાર લાડાણીએ સી.આર.પાટીલને કેમ લખ્યો પત્ર?

Back to top button