બંગાળમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, ફાલ્ટામાં TMC ઉમેદવાર જહાંગીર ખાને ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Falta by-election 2026: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ફાલ્ટા વિધાનસભા બેઠક પર થનારી મતદાન પ્રક્રિયા પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવાર જહાંગીર ખાને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જણાવી દઈએ કે આ બેઠક પર ચૂંટણીમાં ગોટાળાના આરોપો બાદ ચૂંટણી આયોગે પેટાચૂંટણી જાહેર કરી હતી અને અહીં 21 મેના રોજ મતદાન થવાનું છે.
જહાંગીર ખાન પુષ્પા ફિલ્મનો ડાયલોગ બોલીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું – “પુષ્પા ઝુકેગા નહીં સાલા.” ચૂંટણી પ્રચાર દરમિયાન તેમનો આ અંદાજ ખૂબ વાયરલ થયો હતો. તેમના અંદાજને જોઈ એવું લાગતું નહોતું કે મતદાનના માત્ર બે દિવસ પહેલા તેઓ અચાનક ચૂંટણી મેદાનમાંથી પાછળ હટી જશે. જહાંગીર ખાનના આ નિર્ણયથી માત્ર ટીએમસી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે કે પુષ્પાના તેવર એટલા ઝડપથી કેવી રીતે ઠંડા પડી ગયા.
કલકત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ
જહાંગીર ખાને સોમવારે (18 મે, 2026) કલકત્તા હાઇકોર્ટમાં બંગાળ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની દમનકારી કાર્યવાહીથી સુરક્ષા માંગતી અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ટીએમસી નેતાએ આરોપ લગાવ્યો હતો કે તેમના સામે વારંવાર ગુનાહિત કેસ નોંધવામાં આવી રહ્યા છે. તેમના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે દરરોજ તેમના પર નવા ગુનાહિત કેસ લાદવામાં આવી રહ્યા છે. જોકે તેમના અસીલને કાનૂની ઉપાયો અપનાવવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ તેમના સામે નોંધાયેલી એફઆઈઆરની માહિતી જાહેર કરવામાં આવવી જોઈએ.
પુષ્પા હવે મારી જવાબદારી: શુભેંદુ અધિકારી
જહાંગીર ખાને આ અરજી મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ દાખલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પુષ્પાના મામલાને તેઓ વ્યક્તિગત રીતે સંભાળશે. સીએમએ જણાવ્યું હતું કે, “પુષ્પા હવે મારી જવાબદારી છે.”
આ પણ વાંચો: ત્વિષા શર્માની સાસુનો નવો દાવો, કહ્યું- પુત્રવધુ ગર્ભપાત કરાવવા માંગતી હતી, મારો દીકરો તો શરૂઆતથી જ…












