ધર્માંતરણ રોકવામાં નહીં આવે તો બહુમતી પણ લઘુમતી થઈ જશે: અલ્હાબાદ HCની ગંભીર ટિપ્પણી
- ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદે રીતે ધર્માંતરણ મોટા પાયે થઈ રહ્યું છે: હાઇકોર્ટ
પ્રયાગરાજ, 02 જુલાઇ: અલ્હાબાદ હાઈકોર્ટે ધર્માંતરણ અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ‘જો ધર્માંતરણ જે રીતે થઈ રહ્યું છે તે રીતે ચાલુ જ રહેશે તો દેશની બહુમતી વસ્તી પણ લઘુમતી બની જશે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં SC/ST અને આર્થિક રીતે ગરીબ લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદે રીતે ધર્માંતરણ મોટા પાયે થઈ રહ્યું છે.’ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે ધર્મ પરિવર્તનના આરોપી કૈલાશની જામીન અરજી ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી.
પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તનનો કેસ નોંધાયો હતો
હમીરપુરના મૌદહા પોલીસ સ્ટેશનમાં અરજદાર કૈલાશ વિરુદ્ધ ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી રામકલી પ્રજાપતિના ભાઈ રામફલને કૈલાશ હમીરપુરથી દિલ્હી એક સામાજિક સમારોહ અને કલ્યાણ સમારોહમાં હાજરી આપવા માટે લઈ ગયા હતા. FIR મુજબ, ગામના ઘણા લોકોને સમારોહમાં લઈ જવામાં આવ્યા હતા અને ખ્રિસ્તી ધર્મ પરિવર્તિત કરી દેવામાં આવ્યા હતા. ફરિયાદીનો ભાઈ પણ માનસિક બિમારીથી પીડાતો હતો.
અરજદારના એડવોકેટે કોર્ટમાં શું કહ્યું?
અરજદારના એડવોકેટે જણાવ્યું હતું કે, અરજદારે ફરિયાદીના ભાઈનું ધર્માંતરણ કર્યું નથી. સોનુ પાદરી જ આવી બેઠક યોજી રહ્યો હતો અને તે પહેલા જ જામીન પર છૂટી ગયો છે. આ દરમિયાન રાજ્ય વતી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ પી.કે. ગિરીએ જણાવ્યું હતું કે, આવી બેઠકોનું આયોજન કરીને મોટી સંખ્યામાં લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. કૈલાશ ગામડાના લોકોને ઈસાઈ ધર્મ અપનાવવા લઈ જતો હતો અને આ કામ માટે તેને ઘણા પૈસા આપવામાં આવતા હતા.
આ પણ જુઓ: નવા ફોજદારી કેસ નોંધવામાં પોલીસના પરસેવા છૂટ્યા, જાણો શું-શું કરવું પડ્યું ?