ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી ટ્રેનની ટક્કર, 4ના મૃત્યુ

Text To Speech
  • અકસ્માતમાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું

દાર્જિલિંગ, 17 જૂન: પશ્ચિમ બંગાળમાં આજે સોમવારે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળથી તેજ ગતિએ આવી રહેલી એક માલગાડીએ જોરદાર ટક્કર મારતા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, NJPથી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડી ક્રોસ કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ બોગીને ભારે નુકસાન થયું છે. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ, રંગપાની અને નિજાબારી વચ્ચે કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થઈ શકે છે. ઘટના સ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

સીએમ મમતા બેનરજીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર સીએમ મમતા બેનરજીએ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે, “દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.”

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, NFR વિસ્તારમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલવે, NDRF અને SDRF નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

કંચનજંગા એક્સપ્રેસ સિયાલદહ જઈ રહી હતી

નોર્થ ફ્રન્ટિયર રેલવે (NFR)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સોમવારે સવારે ન્યૂ જલપાઈગુડી નજીક માલગાડી સાથે અથડાઈ હતી. કટિહાર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે, આ દુર્ઘટના સવારે લગભગ 9 વાગે બની હતી. તેમણે કહ્યું કે, અગરતલાથી આવતી કંચનજંગા એક્સપ્રેસ (13174) ન્યુ જલપાઈગુડી સ્ટેશન નજીક રંગપાની પાસે માલગાડી સાથે અથડાઈ હતી.

આ પણ જુઓ: પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીયનું પ્રત્યાર્પણ, ચેક રિપબ્લિકથી US લાવવામાં આવ્યો

Back to top button