ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર સરકાર વકફ બોર્ડને 10 કરોડ આપશે, વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનની ઉચ્ચારી ચીમકી

  • 10 કરોડની રકમ વકફ બોર્ડને નાણાકીય વર્ષ 2024-25માં ડિજિટાઇઝેશન માટે આપવાનો સરકારની નિર્ણય 

મહારાષ્ટ્ર, 15 જૂન: મુંબઈમાં RSS બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. હકીકતમાં, મહારાષ્ટ્ર સરકારે વક્ફ બોર્ડને 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ વકફ બોર્ડને નાણાકીય વર્ષ 2024-25માં ડિજિટાઇઝેશન માટે આપવામાં આવશે. આ અંગે નારાજગી વ્યક્ત કરતા વિશ્વ હિન્દુ પરિષદે શુક્રવારે કહ્યું હતું કે, મહાયુતિ સરકાર એ કામ કરી રહી છે જે કોંગ્રેસ સરકારે નથી કર્યું. આ માત્ર મુસ્લિમોને ખુશ કરવાનો પ્રયાસ છે. જો વક્ફ બોર્ડને 10 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ 

મહત્ત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્ર સરકારના લઘુમતી મંત્રાલયે પણ વકફ બોર્ડ માટે 2 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે. બાકીની રકમ ટૂંક સમયમાં આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. આ પગલાનો વિરોધ કરતા VHPના કોંકણ પ્રદેશ સચિવ મહોન સાલેકરે કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર મુસ્લિમો સામે કેમ ઘૂંટણિયે પડી રહી છે? તુષ્ટિકરણની રાજનીતિ શા માટે કરવામાં આવે છે? આ પ્રકારનું તુષ્ટીકરણ અસહ્ય છે.

VHPના આ વિરોધ પછી, રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, “રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ભંડોળ વકફ બોર્ડના ડિજિટાઇઝેશન માટે છે. વકફ બોર્ડમાં રહેલી ખામીઓને સુધારવા માટે આ પ્રક્રિયા જરૂરી હતી. જેનાથી ખબર પડશે કે હિન્દુઓ અને આદિવાસીઓની જમીનો ક્યાં ખોટી રીતે કબજે કરવામાં આવી છે. બાવનકુલેએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર અને ભાજપ કોઈના તુષ્ટિકરણમાં સામેલ નથી. જેઓ મહારાષ્ટ્ર સરકાર પર આરોપો લગાવી રહ્યા છે તેઓનો સાચો હેતુ સમજવો જોઈએ.

આ મામલે શિવસેના UBT નેતા સંજય રાઉતે કહ્યું કે, VHP વિરોધ કરી શકે છે. તેઓ જ આ સરકાર લાવ્યા છે. હકીકતમાં આ ગ્રાન્ટ સંયુક્ત સંસદીય સમિતિની ભલામણ પર આપવામાં આવી છે. આ સમિતિએ મહારાષ્ટ્રમાં વકફ બોર્ડ અને તેની મિલકતોનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાર બાદ તત્કાલિન મુખ્યમંત્રીએ અનુદાન આપવાનું વચન આપ્યું હતું.

VHPએ આંદોલનની ચેતવણી આપી હતી

આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે પણ સરકારને આંદોલનની ચેતવણી આપી છે. વિશ્વ હિંદુ પરિષદનું કહેવું છે કે, સરકાર હિન્દુ મંદિરો પર કબજો કરે છે અને વક્ફ બોર્ડને પૈસા આપે છે. આવી સ્થિતિમાં જો 10 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરશે. આ સિવાય આ મુદ્દાને રાજ્યપાલ સુધી લઈ જવામાં આવશે.

આ પણ જુઓ: પ્રવચનો ચાલતા રહેશે, રામ દરેકના છે, રાષ્ટ્ર દરેકનું છે: ઈન્દ્રેશ કુમારના નિવેદન પર બાબા રામદેવ

Back to top button