અતીક અહેમદ પાકિસ્તાન પાસેથી હથિયાર ખરીદતો, બોર્ડર પર સપ્લાય માટે કરતો ડ્રોનનો ઉપયોગ
માફિયા અતીક અહેમદ વિશે વધુ એક મોટો ખુલાસો થયો છે, માફિયાઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. માફિયા અતીક અહેમદ પાકિસ્તાનથી હથિયાર ખરીદતો હોવાનું કહી પ્રયાગરાજ પોલીસે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી છે. પોલીસે જણાવ્યું કે આ હથિયારો પાકિસ્તાનથી પંજાબમાં ડ્રોન દ્વારા છોડવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન અતીક પાસેથી તે હથિયાર પોલીસને મળી શકે છે. પંજાબમાં પાકિસ્તાન સરહદેથી ડ્રોન મારફતે અતીકને હથિયાર અને કારતુસ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય અતીક પાસે હથિયાર અને બોમ્બનો પણ સ્ટોક છે, આ હથિયારો અને બોમ્બ પ્રયાગરાજ, કૌશામ્બી, ફતેહપુર અને ઉન્નાવમાં છુપાયેલા છે.
પ્રયાગરાજ પોલીસે દાવો કર્યો છે કે જેલમાં આપેલા નિવેદનોમાં અતીક અને અશરફે પાકિસ્તાન કનેક્શન અને હથિયારોના ભંડાર અંગે કબૂલાત કરી છે. આ બાબતો જાણવા માટે પોલીસે અતીક અને અશરફને પોતાની કસ્ટડીમાં લીધા છે. અતીક અને અશરફના આ નિવેદનો પણ પોલીસ કસ્ટડી રિમાન્ડના આદેશમાં લખવામાં આવ્યા છે. તો, પુત્ર અસદના એન્કાઉન્ટર પછી, માફિયા અતીક અહમદની પત્ની શાઇસ્તા પરવીન પણ આગામી 24 કલાકમાં સરેન્ડર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે શાઈસ્તા વકીલોના માધ્યમથી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે. પુત્ર અસદનો ચહેરો છેલ્લી વખત જોવા માટે શાઈસ્તા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાની તૈયારીમાં છે. શાઈસ્તા પરવીન કોર્ટને બદલે પોલીસ સમક્ષ સરેન્ડર કરવા માંગે છે.
અતીક પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માંગે છે
માફિયા અતીક અહેમદ પુત્ર અસદના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માંગે છે. અતીક અહેમદ ઈચ્છે છે કે તેના પુત્ર અસદના અંતિમ સંસ્કાર પ્રયાગરાજમાં જ કરવામાં આવે. અતીક અહેમદ અસદના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગશે. અતીકના વકીલ પ્રયાગરાજ કોર્ટમાં અરજી દાખલ કરશે, આ સાથે અતીક વતી અપીલ પણ કરવામાં આવશે કે પોલીસે અસદના મૃતદેહને ઝાંસીથી પ્રયાગરાજ લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. અતીક સિવાય, તેનો ભાઈ અશરફ પણ ભત્રીજા અસદના અંતિમ સંસ્કાર સમયે હાજરી આપવા માંગે છે.