પ્રેમ, બદલો અને ફેક ઇમેલ્સ… દિલ તૂટ્યું તો 30 વર્ષની સાઇબર એક્સપર્ટ બની ક્રિમિનલ, બે રાજ્યની પોલીસ ચઢી ચકરાવે!

અમદાવાદ: 7 નવેમ્બર, 2025: ગુજરાત અને કર્ણાટક સહિત દેશભરની અનેક સ્કૂલોને એકસાથે બોમ્બની ધમકીવાળા ઈમેલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ માટે આ એક ગંભીર પડકાર હતો, પરંતુ તપાસમાં આ ધમકી ખોટી નીકળી. પોલીસે અફવા ફેલાવનારની શોધ કરી, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો. આ કૃત્ય કરનાર એક 30 વર્ષીય રોબોટિક એન્જિનિયર મહિલા હતી, જે એક જાણીતી કંપનીમાં સિનિયર એડવાઇઝર તરીકે કાર્યરત છે.
આરોપી મહિલાએ જ્યારે આ ગુના પાછળનું કારણ જણાવ્યું, ત્યારે પોલીસ વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ.
11 રાજ્યોની સ્કૂલોને ઈમેલ મોકલાયા
મૂળ ગુજરાતની રહેવાસી 30 વર્ષીય રેને જોશીલ્ડાની ધરપકડ કરવામાં આવી છે. તેણે બેંગલુરૂની ઓછામાં ઓછી સાત સ્કૂલોની સાથે ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને હરિયાણા સહિત કુલ 11 રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બની ધમકીવાળા ઈમેલ મોકલ્યા હતા.
પૂર્વ પ્રેમીને ફસાવવા માટે રચી જટિલ યોજના
તપાસકર્તાઓ મુજબ, રેને જોશીલ્ડાએ પોતાના પૂર્વ પ્રેમી પ્રભાકરને ફસાવવા માટે આ ઈમેલ મોકલ્યા હતા. રેને ઈચ્છતી હતી કે, પ્રભાકરની ધરપકડ થાય, જેથી તેની પત્ની તેને છોડી દે અને તે પ્રભાકરને પાછો મેળવી શકે.
ટેકનિકલ યુક્તિઓ:
જોશીલ્ડાએ પોતાનું લોકેશન છૂપાવવા માટે VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) સેવાઓનો ઉપયોગ કર્યો હતો. તેણે ‘ગેટ કોડ’ નામની એપ્લિકેશન દ્વારા વર્ચ્યુઅલ મોબાઇલ નંબર મેળવ્યો હતો અને તેનો ઉપયોગ કરીને 6 થી 7 વોટ્સએપ એકાઉન્ટ ચલાવ્યા હતા. તેણે પ્રભાકરના નામથી નકલી ઈમેલ આઈડી બનાવ્યા અને સ્કૂલોના પ્રિન્સિપાલ, સ્ટાફ અને બાળકોને બોમ્બ વિસ્ફોટ દ્વારા મારી નાખવાની ધમકી આપી.
ગંભીર કાયદાકીય પગલાં
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ રેને ડેલૉઇટ (Deloitte)ની ચેન્નઈ શાખામાં કાર્યરત હતી. જોશીલ્ડા વિરુદ્ધ સાત કેસ નોંધાયા છે.
ગુજરાતમાંથી ધરપકડ:
રેને જોશીલ્ડાની અગાઉ ગુજરાત સાયબર પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે તેણે એક ઈમેલ મોકલ્યો હતો કે તે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે જવાબદાર છે. આ અકસ્માત 12 જૂને થયો હતો અને તેમાં 241 લોકો માર્યા ગયા હતા. બેંગલુરુ પોલીસે 28 ઓક્ટોબરે જોશીલ્ડાની કસ્ટડી લીધી અને પૂછપરછ બાદ તેને ફરી ગુજરાત પોલીસને સોંપી દીધી છે.
તેના પર સૂચના IT Act અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ધારા 351 (ગુનાઈત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. હાલમાં તે ગુજરાતની જેલમાં બંધ છે
આ પણ વાંચોઃ ડૉ. આદિલ અહેમદ રાઠર કોણ છે? શ્રીનગર પોલીસે તેમની સહારનપુરથી ધરપકડ કરી; જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણનો આરોપ
આ પણ વાંચોઃ ડેશબોર્ડ પર ઝળકતી આ 4 લાઇટ્સ છે ખતરાની ઘંટડી, ભૂલથી પણ ન કરો અવગણના; નહીં તો થઈ શકે છે મોટું નુકસાન












